ટી-બ્રેક સમયે પાકિસ્તાનનો સ્કોર 5 વિકેટે 257 રન હતો. ટીમને જીત માટે વધુ 86 રનની જરૂર હતી. તે પછી ઈંગ્લેન્ડની ટીમે મેચમાં પોતાની પકડ જમાવી દીધી હતી. ઝડપી બોલર ઓલી રોબિન્સને અધા સલમાનને એલબીડબલ્યુ કરી દીધો. એમ્પાયરે તો આઉટ ન આપ્યો, પરંતુ ડીઆરએસથી ઈંગ્લેન્ડને વિકેટ મળી ગઈ.
તે પછી નસીમ શાહ ક્રીઝ પર આવ્યો. આ વખતે રોબિન્સને દડો આગળ નાખ્યો. દડો નસીમના બેટની નીચેથી નીકળીને વિકેટના કિનારે જઈને લાગ્યો. જોકે, તેમ છતાં બેલ્સ ન પડ્યાં. એ જ કારણ રહ્યું કે, તેને આઉટ ન અપાયો. અલ્ટ્રએજમાં પણ જોવા મળ્યું કે, દડો વિકેટ પર લાગ્યો હતો. બોલર રોબિન્સનની સાથે જ ઈંગ્લેન્ડ બધા ખેલાડી આ જોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા અને નિરાશ થઈ ગયા હતા.
જોકે, નસીબનો સાથ મળ્યો હોવા છતાં નસીમ શાહ પાકિસ્તાનને જીત અપાવી શક્યો ન હતો. પાકિસ્તાને 88મી ઓવરમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ જોડીના રૂપમાં નસીમ શાહ અને મોહમ્મદ અલી ક્રીઝ પર હતા. બંનેએ 53 દડાનો સામનો કર્યો. એવું લાગતું હતું કે, બંને મેચને ડ્રો કરાવી દેશે. પરંતુ, જેક લીચે એવું ન થવા દીધું. તેણે નસીમ શાહને એલબીડબલ્યુ આઉટ કરી દીધો. પાકિસ્તાને રિવ્યુ પણ લીધો, પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો અને ઈંગ્લેન્ડે મેચ જીતી લીધી.
મેચના છેલ્લા સેશનમાં પાકિસ્તાને 11 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમની ઈનિંગ્સ 268 રન પર સમેટાઈ ગઈ હતી. એન્ડરસન અને રોબિન્સને 4-4 વિકેટ ઝડપી. લીચ અને કેપ્ટન સ્ટોક્સને 1-1 વિકેટ મળી હતી.