બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં નાથન લાયને કુંબલેને પાછળ રાખ્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ટેસ્ટ સીરિઝ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તરીકે ઓળખાય છે. આ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે નાથન લાયને અનિલ કુંબલેના રેકોર્ડને તોડી નાંખ્યો છે. લાયને ઈન્દોર ટેસ્ટના બીજા દાવમાં 54 રન આપીને આઠ વિકેટ ઝડપી હતી. આ સાથે જ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં નાથન લાયનની કુલ 113 વિકેટ થઈ ગઈ છે. તેણે 25 મેચમાં 113 વિકેટ ઝડપી છે. જ્યારે અનિલ કુંબલેએ 20 મેચમાં 111 વિકેટ ઝડપી હતી. ભારતીય સ્ટાર રવિચંદ્રન અશ્વિન 21 મેચમાં 106 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે.
ભારતમાં પ્રવાસી બોલર્સના શ્રેષ્ઠ પ્રદર્શનમાં લાયનનો દબદબો
નાથન લાયને બીજા દાવમાં 64 રન આપીને 8 વિકેટ ઝડપી છે. ભારતમાં પ્રવાસી ટીમના બોલર્સના શ્રેષ્ઠ પ્રદર્શનમાં નાથન લાયનનો દબદબો રહ્યો છે. આ યાદીમાં ન્યૂઝીલેન્ડનો એજાઝ પટેલ પ્રથમ સ્થાને છે. એજાઝ પટેલે 2021-22માં મુંબઈ ટેસ્ટમાં એક દાવમાં 119 રન આપીને 10 વિકેટ ઝડપી હતી. જ્યારે નાથન લાયને 2016-17માં બેંગલુરૂ ટેસ્ટમાં 50 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. સાઉથ આફ્રિકાના લાન્સ ક્લુઝનરે 1996-97માં કોલકાતા ટેસ્ટમાં 64 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. જ્યારે હવે લાયને ઈન્દોરમાં 8 વિકેટ ઝડપી છે.
ભારતીય ધૂરંધરોને આઉટ કરવામાં લાયન અગ્રેસર
નાથન લાયને ઈન્દોરમાં 8 વિકેટ ઝડપી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજની વિકેટ સામેલ છે. જોકે, ભારતના દિગ્ગજ બેટર્સને આઉટ કરવામાં લાયન અગ્રેસર છે. લાયને પૂજારાને 13 વખત આઉટ કર્યો છે. આમ ટેસ્ટમાં કોઈ બોલરે કોઈ એક ભારતીય બેટરને સૌથી વધુ વખત આઉટ કર્યો હોય તેમાં લાયન ટોચ પર છે. આ ઉપરાંત લાયને અજિંક્ય રહાણેને 10, રોહિત શર્માને 8 અને વિરાટ કોહલીને 7 વખત આઉટ કર્યો છે.
મુથૈયા મુરલીધરનના રેકોર્ડને પણ તોડી નાંખ્યો છે
ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ હવે નાથન લાયનના નામે થઈ ગયો છે. નાથન લાયને ભારત સામે 25 મેચમાં 113 વિકેટ ઝડપી છે. અગાઉ આ રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે હતો. મુરલીધરને 22 મેચમાં 105 વિકેટ ઝડપી હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના લાન્સ ગિબ્સે 15 મેચમાં ભારત સામે 63 વિકેટ ઝડપી હતી.