સિવર-બ્રન્ટની અણનમ અડધી સદી, કેપ્ટન હરમનપ્રીતની લાજવાબ બેટિંગ
મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનો લક્ષ્યાંક હતો. મુંબઈની શરૂઆત સારી રહી ન હતી. ટીમે 13 રનના સ્કોરે યાસ્તિકા ભાટિયાની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે ચાર રન નોંધાવ્યા હતા. જ્યારે હજી સ્કોરમાં 10 રનનો ઉમેરો થયો હતો ત્યારે 23 રનના સ્કોરે ટીમે અન્ય ઓપનર હેલી મેથ્યુસની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 12 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 13 રનની ઈનિંગ્સ રમી હતી. જોકે, બાદમાં સિવર-બ્રન્ટ અને કેપ્ટન હરમનપ્રીત કૌરની જોડીએ બાજી સંભાળી હતી. બંનેએ દિલ્હીના બોલર્સનો મક્કમતાથી સામનો કર્યો હતો અને ધીરજપૂર્વક બેટિંગ કરીને ટીમને વિજય તરફ દોરી ગઈ હતી.
આ જોડીએ 72 રનની મેચ વિનિંગ ભાગીદારી નોંધાવી હતી. ટીમ વિજયથી થોડી દૂર હતી ત્યારે હરમનપ્રીત આઉટ થઈ ગઈ હતી. તેણે 39 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 37 રનની ઈનિંગ્સ રમી હતી. જોકે, સિવર-બ્રન્ટે અંત સુધી એક છેડો જાળવી રાખ્યો હતો. તેને મીલિ કેરનો સાથ મળ્યો હતો. સિવર-બ્રન્ટે શાનદાર અડધી સદી ફટકારી હતી અને અંત સુધી નોટઆઉટ રહી હતી. તેણે 55 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 60 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે કેરે આઠ બોલમાં બે ચોગ્ગા સાથે અણનમ 14 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી માટે રાધા યાદવ અને જેસ જોનાસેને એક-એક વિકેટ ઝડપી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર બોલિંગ, દિલ્હી કેપિટલ્સ મોટો સ્કોર નોંધાવી ન શકી
અગાઉ દિલ્હી કેપિટલ્સ વિમેન્સ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર બોલિંગ સામે દિલ્હીની ટીમ મોટો સ્કોર નોંધાવી શકી ન હતી. એક સમયે ટીમે 79 રનના સ્કોર પર પોતાની નવ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, શિખા પાંડે અને રાધા યાદવની જોડીએ અંતિમ વિકેટ માટે મહત્વની 52 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. જેની મદદથી દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે 131 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. કેપ્ટન મેગ લેનિંગ અને શેફાલી વર્માની ઓપનિંગ જોડી અપેક્ષા પ્રમાણેની શરૂઆત અપાવી શકી ન હતી.
ટીમ માટે લેનિંગે જ સૌથી વધુ 35 રન નોંધાવ્યા હતા. તેણે પોતાની 29 બોલની ઈનિંગ્સમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે શેફાલી 11 રન નોંધાવીને આઉટ થઈ હતી. એલિસ કેપ્સે ખાતું પણ ખોલાવી શકી ન હતી. જેમિમા રોડ્રિગ્સ નવ રન નોંધાવીને આઉટ થઈ હતી. જ્યારે મારિઝાને કેપે 18 રનનું યોગદાન આપ્યું હતું. શિખા પાંડેએ 17 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી અણનમ 27 રન ફટકાર્યા હતા. જ્યારે રાધા યાદવે 12 બોલમાં અણનમ 27 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં બે ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. મુંબઈ માટે હેલી મેથ્યુસે ઘાતક બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં ફક્ત પાંચ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઈસી વોંગે 42 રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી. મિલી કેરને બે સફળતા મળી હતી.