ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમું ટાઈટલ જીતાડ્યા બાદ પોતાની નિવૃત્તિની અટકળોને ફગાવી દેતા મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે તે ચાહકોને તેમના પ્રેમને જોતાં આગામી સિઝનમાં ફરી રમશે. આ સિઝન (IPL 2023) ની શરૂઆતથી જ એવી અટકળો ચાલી રહી હતી કે આ ધોનીની છેલ્લી IPL હશે. જે રીતે પ્રેક્ષકોએ દરેક ગ્રાઉન્ડ પર તેના પર પ્રેમનો વરસાદ વરસાવ્યો હતો તે જોતાં તેની શક્યતા વધુ પ્રબળ લાગી રહી હતી.
ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે પાંચ વિકેટથી મળેલી જીત બાદ જ્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે શું આ તેની છેલ્લી સિઝન છે તો તેણે કહ્યું, સંજોગોને જોતા મારા માટે નિવૃત્તિ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. મારા માટે તે કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે જતો રહ્યો છું પરંતુ આગામી નવ મહિના સુધી સખત મહેનત કરીને વધુ એક સિઝન રમીને પરત ફરવું મુશ્કેલ છે.
તેણે કહ્યું હતું કે, શરીરે સાથ આપવો પડશે. ચેન્નાઈના પ્રશંસકોએ જે રીતે મારા પર પ્રેમ વરસાવ્યો છે, તેમના માટે વધુ એક સિઝન રમવી તે મારા તરફથી તેમને એક ભેટ હશે. તેઓએ જે પ્રેમ અને જુસ્સો દર્શાવ્યો છે તેના માટે મારે પણ કંઈક કરવું જોઈએ, તેમ જણાવતા ધોનીએ કહ્યું હતું કે, આ મારી કારકિર્દીનો છેલ્લો તબક્કો છે. અહીંથી શરૂઆત થઈ હતી અને આખું સ્ટેડિયમ મારા નામના નારા લગાવી રહ્યું હતું. ચેન્નાઈમાં પણ આવું થયું પણ હું પાછો આવીશ અને મારાથી બને એટલું રમીશ.