ભારત અને ઓશ્ટ્રેલિયા વચ્ચે આગામી મહિને ચાર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાવાની છે જેના કારણે સ્ટાર ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. અગાઉ ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ વન-ડે મેચની સિરીઝ 3-0થી જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડ સામે હાર્દિક પંડ્યા ભારતીય ટી20 ટીમની કેપ્ટનસી કરવાનો છે. હાર્દિકે અગાઉ શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું. શ્રીલંકા સામે ભારતે 2-1થી શ્રેણી જીતી હતી.
ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સિરીઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન તથા કુલદીપ યાદવ વન-ડે બાદ ટી20 સિરીઝમાં પણ રમવાના છે. ત્યારબાદ તેઓ 12 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાનારી પ્રથમ ટેસ્ટ પહેલા ટેસ્ટ ટીમ સાથે જોડાશે. આ સિરીઝ દ્વારા મુંબઈનો આક્રમક ઓપનર પૃથ્વી શો ટીમ ઈન્ડિયામાં કમબેક કરી રહ્યો છે.
ધોનીએ ટીમ ઈન્ડિયાની મુલાકાત લીધી તે પહેલા હાર્દિક પંડ્યા ધોનીને મળ્યો હતો. હાર્દિકે ધોની સાથે તેની તસ્વીર પણ ટ્વિટર પર શેર કરી હતી. જેમાં હાર્દિક બાઈક પર બેઠેલો જોવા મળે છે જ્યારે તેની સાઈડકારમાં ધોની બેઠો છે. હાર્દિકે આ તસ્વીર શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે શોલે-2 આવી રહી છે.