BCCI દ્વારા શેર કરવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં અશ્વિન કોહલીને પૂછે છે કે તમે આ પ્રકારના આડાઅવળા શોર્ટ્સ કઈ રીતે મારો છો? શું તમે આઉટ થવાના ડર વગર જ બોલ આવે એટલે બેટ ઉઠાવીને મારી દો છો? આ સવાલ સાંભળીને હસી પડેલા સૂર્યાએ કહ્યું કે, આ પ્રકારના શોટ્સ રમતા પહેલા તેની પાછળ ઘણી મહેનત કરવી પડે છે, અને તેના કારણે આત્મવિશ્વાસ આવે છે અને તેના આધારે હું તેને રમી શકું છું. સૂર્યાએ જણાવ્યું ઓસ્ટ્રેલિયાની પીચ માટે તેણે વાનખેડેની બાઉન્સવાળી પીચ પર પ્રેક્ટિસ કરી છે.
સૂર્યાએ કહ્યું કે, અહીં મેદાન મોટા છે અને મને તેના રમવાની મજા આવે છે, અહીં આવીને જ્યારે હું રમતો હોઉં અને અંડરપ્રેશરમાં હોઉં કે એવી સ્થિતિ હોય ત્યારે મોટા ગ્રાઉન્ડ હોવાથી તેમાં સરળતાથી ગેપ શોધીને શોટ્સ રમું છું જેથી રન બની શકે. જ્યારે સૂર્યાએ અશ્વિનને કહ્યું કે સેમિફાઈનલ માટે તમે લોકોને શું સંદેશો આપશો તો અશ્વિને કહ્યું કે ભારતમાં ક્રિકેટ ધર્મથી કમ નથી, માટે મને વિશ્વાસ છે કે લોકો આપણી પડખે ઉભા રહેશે, આ પછી ફિરકીના માસ્ટર અશ્વિને હસતા-હસતા કહ્યું કે, બસ ટીવી ચાલું કરો અને તમારો નાસ્તો લઈને મેચ જોવા માટે બેસી જાવ..
સૂર્યકુમાર યાદવને મળેલા Mr. 360 બિરુદ અંગે વાત કરીને અશ્વને પૂછ્યું કે તમે આ રીતે આડાઅવળા શોટ્સ કઈ રીતે રમો છો, શું તમે તેના માટે પણ પ્રેક્ટિસ કરો છો? જેના જવાબમાં સૂર્યાએ કહ્યું “અહીં બાઉન્ડ્રી ઘણી લાંબી છે, માત્ર ઓછું અંતર પાછળ હોય છે જેથી હું તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરું છું, અને તેમાં સફળતા મળી રહી છે.” જ્યારે સૂર્યાને પૂછવામાં આવ્યું કે તમે આ શોટ્સ માટે નેટમાં તો પ્રેક્ટિસ કરતા નથી તો તાત્કાલિક આ પ્રકારના શોટ્સ કઈ રીતે રમી શકો છો? જે અંગે સૂર્યાએ કહ્યું “હું યુવાન હતો ત્યારે મિત્રો સાથે રબરના બોલથી ઘણું ક્રિકેટ રમ્યો છું, આવામાં રન કાઢવા માટે અમે આડાઅવળા શોટ્સ રમતા હતા, તો ત્યાંથી આ શોટ્સ આવ્યા છે, મેં આ પ્રકારના શોટ્સ માટે નેટમાં કોઈ પ્રકારની પ્રેક્ટિસ કરી નથી.”
9મી નવેમ્બરે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પહેલી સેમિફાઈનલ મેચ રમાશે અને તે પછી 10મીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ રમાવાની છે. જે પ્રકારે પાકિસ્તાને કમબેક કરવાનો ચાન્સ મળ્યો છે તે જોતા ફેન્સ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. ભારત અને ઈંગ્લેન્ડ સામેની મેચમાં પણ રોહિત અને વિરાટ સિવાય સૂર્યકુમાર યાદવ પાસેથી ઘણી આશા રાખવામાં આવી રહી છે.