ભારતના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં 9 માર્ચથી શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે. શમીને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો. જોકે, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે ચોથી ટેસ્ટમાં એક ઝડપી બોલરને બહાર કરીને તેના સ્થાને સૂર્યકુમાર યાદવના રૂપમાં એક વધારાના બેટરને તક આપવી જોઈએ. ઈન્દોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમ મેનેજમેન્ટે મેડિકલ સ્ટાફ સાથે ચર્ચા વિચારણા કરીને IPLની મોટાભાગની મેચો રમનારા અને વન-ડે વર્લ્ડ કપની યોજનામાં સામેલ ઝડપી બોલર્સના વર્કલોડ મેનેજમેન્ટની યોજના બનાવી છે. શમી પ્રથમ બે ટેસ્ટ રમ્યો હતો અને તે વન-ડે ટીમનો પણ ભાગ છે. ઈન્દોર ટેસ્ટમાં તેની જગ્યાએ ઉમેશ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
સિરાજે પ્રથમ ત્રણ ટેસ્ટમાં માત્ર 24 ઓવર જ ફેંકી છે અને 17 થી 22 માર્ચ સુધી રમાનારી ત્રણેય વનડેમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છેલ્લી ટેસ્ટમાં તેને આરામ આપવામાં આવી શકે છે. હવે જ્યારે શમી પાછો ફરવા જઈ રહ્યો છે ત્યારે અહીંથી સવાલ એ ઊભો થયો છે કે શું ભારત અમદાવાદમાં એક પેસરને ઘટાડીને સૂર્યકુમાર યાદવના રૂપમાં અલગ બેટરને રમાડશે કે નહીં?
મોહમ્મદ શમી આ શ્રેણીમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર રહ્યો છે. તેણે બે મેચમાં 30 ઓવર કરી છે અને સાત વિકેટ લીધી છે. મોટેરાની સૂકી પિચ પર ટીમને તેની વધુ જરૂર પડશે. આવી પિચ રિવર્સ સ્વિંગ માટે અનુકૂળ હોઈ શકે છે. ભારત ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સીધા જ ક્વોલિફાય થવા માટે તેણે આ મેચ જીતવી પડશે.
ઈન્દોરમાં હોલકર સ્ટેડિયમની પિચને આઈસીસી (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના મેચ રેફરી ક્રિસ બ્રોડ દ્વારા ‘નબળી’ રેટ કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ) આવું કોઈ જોખમ લેવાનું પસંદ કરશે નહીં. સ્ટેટ એસોસિએશનના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “અમને ભારતીય ટીમ મેનેજમેન્ટ (પીચ અંગે) તરફથી કોઈ સૂચના મળી નથી અને અમારા સ્થાનિક ‘ક્યુરેટર્સ’ સામાન્ય પિચ તૈયાર કરી રહ્યા છે જેમ કે અમે સમગ્ર સિઝનમાં કર્યું છે.”