પર્પલ કેપ ધરાવે છે મોહમ્મદ શમી
અનુભવી ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ અત્યાર સુધી 13 મેચમાં 23 વિકેટ ઝડપી છે. પોતાની જ ટીમના સાથી ખેલાડી રાશિદ ખાન કરતાં સારી ઈકોનોમી બાદ તેની પાસેથી પર્પલ કેપ આંચકી લેનારા મોહમ્મદ શમીએ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ અને જાણીતા કોમેન્ટેટર રવિ શાસ્ત્રી સાથે વાતચીત કરી હતી. રવિ શાસ્ત્રીએ પૂછ્યું હતું કે આ સફળતાનું રહસ્ય શું છે? ત્યારે મોહમ્મદ શમીની હાજરજવાબી સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
એકદમ હળવા અંદાજમાં શમીએ આપ્યો હતો જવાબ
વાસ્તવમાં રવિ શાસ્ત્રીએ મોહમ્મદ શમીના ડાયટ પર મજાક ઉડાવી હતી. રવિ શાસ્ત્રીએ પૂછ્યું હતું કે તું કયો ખોરાક ખાય છે અને વધારે મજબૂત થઈ રહ્યો છે. ત્યારે મોહમ્મદ શમીએ કહ્યું હતું કે મારું ખાવાનું ગુજરાતમાં નહીં મળે. જોકે પાછળથી કોઈની લાગણી દુભાય નહીં તે રીતે તેણે વધુમાં ઉમેર્યું હતું કે હું પણ હું ગુજરાતી ફૂડનો આનંદ માણી રહ્યો છું.
બિરયાની લવર છે મોહમ્મદ શમી
જે લોકો ભારતીય ક્રિકેટને ફોલો કરે છે તેઓ જાણે છે કે મોહમ્મદ શમીને બિરયાની કેટલી પસંદ છે. 2019 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે હેટ્રિક લીધા બાદ રોહિત શર્માએ આ વાતની મજાક પણ ઉડાવી હતી. એકવાર ઈશાંત શર્માએ પણ એક ઈન્ટરવ્યુમાં શમીના બિરયાની પ્રેમનો ઉલ્લેખ કર્યો હતો. અહીં પણ રવિ શાસ્ત્રી બિરયાનીને લઈને મોહમ્મદ શમીની મજાક ઉડાવી રહ્યા હતા.