ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે મચાવ્યું તોફાન, મુંબઈનો ધમાકેદાર વિજય
મુંબઈ ઈન્ડિયન્સ સામે 215 રનનો જંગી લક્ષ્યાંક હતો અને તેને પાર પાડવા ઉતરેલી મુંબઈની ટીમે ત્રીજા જ બોલ પર કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જોકે, બાદમાં ઈશાન કિશને જવાબદારી સંભાળી હતી અને તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. શરૂઆતમાં તેને કેમેરોન ગ્રીનનો સાથ મળ્યો હતો. આ જોડીએ 54 રનની ભાગીદારી નોંધાવી હતી. ગ્રીન 18 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 22 રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં કિશને સૂર્યકુમાર યાદવ સાથે મળીને આક્રમણ શરૂ કર્યું હતું. આ જોડીએ 116 રનની મેચ વિનિંગ ભાગીદારી નોંધાવી હતી.
બંને બેટર પંજાબના બોલર્સ પર તૂટી પડ્યા હતા. બંનેએ આક્રમક અડધી સદી ફટકારી હતી. ઈશાન કિશને 41 બોલમાં 75 રન ફટકાર્યા હતા જેમાં સાત ચોગ્ગા અને ચાર સિક્સર સામેલ હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે આઠ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 31 બોલમાં 66 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ટિમ ડેવિડે અણનમ 19 અને તિલક વર્માએ 10 બોલમાં ત્રણ સિક્સર અને એક ચોગ્ગાની મદદથી અણનમ 26 રન ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. મુંબઈએ 18.5 ઓરમાં ચાર વિકેટે 216 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. પંજાબ માટે નાથન એલિસે બે તથા રિશિ ધવન અને અર્શદીપ સિંહે એક-એક વિકેટ ઝડપી હતી.
લિવિંગસ્ટોન અને જિતેશ શર્માની તોફાની બેટિંગ, પંજાબ કિંગ્સનો જંગી સ્કોર
મોહાલીમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પંજાબને બીજી જ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ઓપનર પ્રભસિમરન નવ રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં કેપ્ટન શિખર ધવન તથા મેથ્યુ શોર્ટે બાજી સંભાળી હતી. આ જોડીએ 49 રનની ભાગીદારી નોંધાવી હતી. ધવને 20 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 30 રન ફટકાર્યા હતા જ્યારે મેથ્યુ શોર્ટે 26 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, પંજાબની બેટિંગનું મુખ્ય આકર્ષણ લિયામ લિવિંગસ્ટોન અને વિકેટકીપર બેટર જિતેશ શર્માની તોફાની બેટિંગ રહી હતી.
આ જોડીએ 119 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. તેમણે મુંબઈના બોલર્સને ચોમેર ધોલાઈ કરી હતી. લિવિંગસ્ટોને અડધી સદી ફટકારી હતી જ્યારે જિતેશ એક રનથી અડધી સદીથી વંચિત રહી ગયો હતો. લિવિંગસ્ટોને 42 બોલમાં અણનમ 82 રન ફટકાર્યા હતા જેમાં સાત ચોગ્ગા અને ચાર સિક્સર સામેલ હતી. જ્યારે જિતેશ શર્માએ 27 બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી અણનમ 49 રનની ઈનિંગ્સ રમી હતી. મુંબઈ માટે પિયુષ ચાવલાએ બે તથા અર્શદ ખાને એક વિકેટ ઝડપી હતી.