મુંબઈની ઘાતક બોલિંગ સામે લખનૌના બેટર્સ ઘૂંટણીયે
લખનૌ સુપર જાયન્ટ્સ સામે 183 રનનો લક્ષ્યાંક હતો. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના બોલર્સે ઘાતક બોલિંગ પ્રદર્શન કર્યું હતું જેની સામે લખનૌના બેટર્સ ઘૂંટણીયે પડી ગયા હતા. આકાશ માધવાલની ઝંઝાવાતી બોલિંગ સામે લખનૌના બેટર્સ કંઈ કમાલ કરી શક્યા ન હતા. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર પ્રેરક માંકડ ત્રણ અને કેપ્ટન કૃણાલ પંડ્યા આઠ રન નોંધાવીને આઉટ થઈ ગયા હતા. જ્યારે કાયલે માયર્સ પણ 18 રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
માર્ક્સ સ્ટોઈનિસે એક છેડો જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 27 બોલમાં 40 રન નોંધાવીને રન આઉટ થઈ ગયો હતો. તેણે પાંચ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. આયુષ બદોની એક જ રન નોંધાવી શક્યો હતો જ્યારે નિકોલસ પૂરન ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો હતો. દીપક હૂડાએ 15, ગૌતમ બે તથા રવિ બિશ્નોઈએ ત્રણ રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે આકાશ માધવાલે 3.3 ઓવરમાં ફક્ત પાંચ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે ક્રિસ જોર્ડન અને પિયુષ ચાવલાને એક-એક સફળતા મળી હતી.
કેમેરોન ગ્રીન અને સૂર્યકુમાર યાદવની બેટિંગથી મુંબઈનો પડકારજનક સ્કોર
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, તેની શરૂઆત નિરાશાજનક રહી હતી. વિકેટકીપર ઈશાન કિશન અને કેપ્ટન રોહિત શર્માની ઓપનિંગ જોડી અપેક્ષા પ્રમાણે શરૂઆત અપાવી શકી ન હતી. કિશન 15 અને રોહિત શર્મા 11 રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, બાદમાં કેમેરોન ગ્રીન અને સૂર્યકુમાર યાદવની જોડીએ બાજી સંભાળી હતી. આ બંનેએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી અને ટીમના સ્કોરને પડકારજનક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગ્રીને 23 બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સર સાથે 41 રન ફટકાર્યા હતા. જ્યારે સૂર્યકુમારે 20 બોલમાં 33 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં બે ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી.
આ બંને બેટર આઉટ થયા બાદ તિલક વર્મા અને નેહલ વાઢેરાએ ઉપયોગી ઈનિંગ્સ રમી હતી. તિલક વર્માએ 22 બોલમાં બે સિક્સરની મદદથી 26 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે વાઢેરાએ 12 બોલમાં 23 રન ફટકાર્યા હતા જેમાં બે ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. લખનૌ માટે નવીન ઉલ હકે ચાર ઓવરમાં 38 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે યશ ઠાકુરે ત્રણ અને મોહસિન ખાને એક વિકેટ ઝડપી હતી.