કુહનેમેને કહ્યું હતું કે 15 મિનિટ સુધી રવિન્દ્ર જાડેજાએ મને સ્પિન બોલિંગની બાબતો શીખવી હતી. અમે ઘણી બધી બાબતો અંગે વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે, ભારતીય ઉપખંડમાં મારા આગામી પ્રવાસ માટે મને કેટલીક ટિપ્સ આપી હતી. ક્વિન્સલેન્ડના 26 વર્ષીય સ્પિનરને લેગ સ્પિનર મિચેલ સ્વેપસનના વિકલ્પ તરીકે લઈ જવામાં આવ્યો હતો. સ્વેપસન દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ અગાઉ પોતાના પ્રથમ બાળકના જન્મ માટે સ્વદેશ પરત ફર્યો હતો.
સ્વેપસનની હાજરીના કારણે કુહનેમેનને ક્વીન્સલેન્ડની ટીમમાં સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. પરંતુ શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝમાં પદાર્પણ દરમિયાન પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેને ભારત પ્રવાસની તક મળી હતી. જોકે, ભારત પ્રવાસમાં પણ તેને ટીમ મેનેજમેન્ટને નિરાશ કર્યું નહીં અને ભારત સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણ ટેસ્ટમાં નવ વિકેટ ઝડપી હતી.
ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ જીતી હતી. જેમાં કુહનેમેને મહત્વની ભૂમિકા ભજવી તહી. તેણે પ્રથમ દાવમાં પાંચ સહિત કુલ છ વિકેટ ખેરવી હતી. ઓસ્ટ્રેલિયાના અનુભવી સ્પિનર નાથન લાયને કુહનેમેન અને જાડેજા વચ્ચે વાતચીત કરાવી હતી. તેણે કહ્યું હતું કે નાથન લાયને મારી વાતચીત જાડેજા સાથે કરાવવામાં મદદ કરી હતી. જાડેજાએ મને કહ્યું છે કે હું તેમને કોઈ પણ સમયે સંપર્ક કરી શકું છું. તેમણે મને ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ પણ કર્યો હતો.