બન્યું એવું કે, અરિજીતને ગીત ગાતો જોઈ ચેન્નઈ સુપરકિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ડગઆઉટમાં આવી ગયો અને બહારથી જ સ્ટેજ શોનો આનંદ લેવા લાગ્યો. આ દરમિયાન કેમેરામેને ધોનીને શોધી લીધો અને તેના પર કેમેરો ફોકસ કર્યો. ધોની પર કેમેરો આવતા જ આખા સ્ટેડિયમમાં ચીચીયારીઓ પડવા લાગી. બિગ સ્ક્રીન પર પોતાના ફેવરિટ ક્રિકેટરને જોતા જ પબ્લિક જોશમાં આવી ગઈ. અરિજીતે પોતાના ગીતોથી ધોનીને પણ ઝૂમવા માટે મજબૂર કરી દીધો.
આ પહેલા ચર્ચા હતી કે, ડાભા પગમાં ઈજાના કારણે મહેન્દ્ર સિંહ ધોની ઓપનિંગ મેચ નહીં રમે, પરંતુ તેને સીએસકેની જર્સીમાં જોતા જ ફેન્સ પોતાની ખુશી પર કાબુ ન રાખી શક્યા. અરિજીત સિંહ પછી તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાનાએ પણ સ્ટેજ પર આગ લગાવી. બંને એક્ટ્રેસીઝએ સાઉથ અને હિંદી ગીતો પર ડાન્સ કરી દર્શકોનું મનોરંજન કર્યું હતું. ગીતો અને ડાન્સ પરફોર્મન્સ બાદ ટોસ થયો, જેમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ બાજી મારતા ચેન્નઈ સુપરકિંગ્સને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.
મહેન્દ્ર સિંહ ધોની માટે આ આઈપીએલ ઘણી મહત્વની મનાઈ રહી છે. કહેવાઈ રહ્યું છે કે, મહેન્દર સિંહ ધોનીની આ છેલ્લી આઈપીએલ હશે. જોકે, મહેન્દ્ર સિંહ ધોનીએ પોતે આ અંગે હજુ સુધી કોઈ વાત કરી નથી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપરકિંગ્સ આઈપીએલમાં 9 વખત ફાઈનલમાં પહોંચી છે અને તેમાંથી ચાર વખત તેની જીત થઈ છે.