ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન (UPCA)ના સૂત્રોએ જણાવ્યું હતું કે, ક્યુરેટરને હાંકી કાઢવામાં આવ્યા છે અને તેમના સ્થાને અનુભવી ક્યુરેટર સંજીવ કુમાર અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. અમે એક મહિનાની અંદર બધું બરાબર કરી દઈશું. ટી20 મેચ અગાઉ સેન્ટર વિકેટ પર ઘણી બધી ડોમેસ્ટિક ક્રિકેટ મેચ રમાઈ હતી. ક્યુરેટરે ઈન્ટરનેશનલ મેચ માટે એક કે બે પિચ બાકી રાખવી જોઈએ. પિચનો વધારે પડતો ઉપયોગ થયો હતો અને ખરાબ હવામાનના કારણે નવી પિચ તૈયાર કરવામાં પૂરતો સમય મળ્યો ન હતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવારે ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે. હાલમાં ત્રણ મેચની સિરીઝ 1-1થી બરાબરી પર છે તેથી અમદાવાદમાં રમાનારી મેચ નિર્ણાયક બની રહેશે. લખનૌમાં બીજી ટી20 બાદ હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, પ્રાણાણિકતાથી કહું તો આ આઘાતજનક વિકેટ હતી. મને કપરી વિકેટથી કોઈ વાંધો નથી. હું તેના માટે તૈયાર રહું છું પરંતુ આ બંને મેચની વિકેટ ટી20 માટે બનાવવામાં આવી ન હતી. ક્યુરેટર્સ અથવા મેદાન કે જેમાં અમે રમવા જઈ રહ્યા છીએ તેઓએ ખાતરી કરવી જોઈએ કે તેઓ પિચ પહેલાથી જ તૈયાર કરીને રાખે.