બોલર્સ બાદ પંજાબ કિંગ્સના બેટર્સ પણ નિષ્ફળ રહ્યા, મળ્યો પરાજય
પંજાબ કિંગ્સના બોલર્સ નિષ્ફળ રહ્યા હતા જેના કારણે ટીમ સામે 258 રનનો તોતિંગ લક્ષ્યાંક આવ્યો હતો. જોકે, બોલર્સે નિરાશ કર્યા બાદ બેટર્સે પણ નિરાશ કર્યા હતા. પ્રભસિમરન સિંહ અને કેપ્ટન શિખર ધવનની ઓપનિંગ જોડી સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. ધવન એક રન અને પ્રભસિમરન નવ રન નોંધાવીને આઉટ થયા હતા. અથર્વ ટાઈડેએ 36 બોલમાં 66 રન ફટકાર્યા હતા પરંતુ વિશાળ લક્ષ્યાંક સામે તે પૂરતા ન હતા. આ ઉપરાંત સિકંદર રઝાએ 36, લિયામ લિવિંગસ્ટોને 23, જિતેષ શર્માએ 24 અને સેમ કરને 21 રનનું યોગદાન આપ્યું હતું. લખનૌ માટે યશ ઠાકુરે ચાર, નવીન-ઉલ-હકે ત્રણ, રવિ બિશ્નોઈએ બે તથા માર્કસ સ્ટોઈનિસે એક વિકેટ ઝડપી હતી.
માયર્સ અને સ્ટોઈનીસની અડધી સદી, પૂરન અને બદોનીની તોફાની બેટિંગ
લખનૌ માટે ચાર બેટ્સમેનોએ ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરી હતી. સૌથી પહેલા તો ઓપનર કાયલે માયર્સે તોફાન મચાવ્યું હતું. તેણે 20 બોલમાં જ અડધી સદી ફટકારી દીધી હતી. માયર્સે 24 બોલમાં સાત ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 54 રન ફટકાર્યા હતા. જ્યારે માર્ક્સ સ્ટોઈનિસે પણ 30 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે ટીમ માટે સર્વોચ્ચ સ્કોર નોંધાવતા 40 બોલમાં 72 રન ફટકાર્યા હતા. જેમાં છ ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી.
જ્યારે આયુષ બદોનીએ પણ 24 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 43 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવર્સમાં વિકેટકીપર બેટર નિકોલસ પૂરને પણ ઝંઝાવાતી અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે 19 બોલમાં 45 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી. જેમાં સાત ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. જ્યારે દીપક હૂડાએ છ બોલમાં અણનમ 11 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કેપ્ટન લોકેશ રાહુલ 12 રન નોંધાવીને આઉટ થયો હતો. પંજાબ માટે કાગિસો રબાડાએ બે તથા અર્શદીપ સિંહ, સેમ કરન અને લિવિંગસ્ટોને એક-એક વિકેટ ઝડપી હતી.