lokesh rahul, ઓસ્ટ્રેલિયા સામે ODI સીરિઝઃ રાહુલ માટે WTC ફાઈનલ અને વર્લ્ડ કપમાં સ્થાન બનાવવાની અંતિમ તક - india vs australia odi series 2023 last chance for rahul to play as keeper batsman in world cup and wtc final

lokesh rahul, ઓસ્ટ્રેલિયા સામે ODI સીરિઝઃ રાહુલ માટે WTC ફાઈનલ અને વર્લ્ડ કપમાં સ્થાન બનાવવાની અંતિમ તક – india vs australia odi series 2023 last chance for rahul to play as keeper batsman in world cup and wtc final


ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ચાર ટેસ્ટ ક્રિકેટ મેચની સીરિઝમાં લોકેશ રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રથમ બે ટેસ્ટમાં ફ્લોપ રહ્યા બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે, હવે તેની પાસે પોતાનું ફોર્મ પરત મેળવવાની તક રહેલી છે. શુક્રવારથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઈ રહેલી વન-ડે સીરિઝ રાહુલ માટે લાઈફ લાઈન સમાન છે. ઈજાના કારણે શ્રેયસ ઐય્યર ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે વિકેટકીપર બેટર રિશભ પંત પણ આગામી છ મહિના સુધી મેદાનથી દૂર છે. બીજી તરફ કેએસ ભરતની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત ઘણી નબળી રહી છે. તેવામાં રાહુલ પાસે વિકેટકીપર બેટર તરીકે ભારતીય ટીમમાં સ્થાન બનાવવા માટે આ સીરિઝ સુવર્ણ તક છે. તે આ સીરિઝમાં સારો દેખાવ કરીને જૂનમાં ઓવલમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને આ વર્ષે ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપની ટીમમાં પોતાનું સ્થાન બનાવી શકે છે.

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝ અને ત્યારબાદ આઈપીએલ-2023માં રાહુલ સારો દેખાવ કરશે તો તેની કારકિર્દીને બૂસ્ટ મળી શકે છે. લોકેશ રાહુલ વિકેટકીપર તરીકેની જવાબદારી નીભાવી શકે છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિકેટકીપર તરીકે કેએસ ભરતને તક આપવામાં આવી હતી. જોકે, આંધ્ર પ્રદેશના ખેલાડી માટે સીરિઝ નિરાશાજનક રહી હતી. તે ચાર ટેસ્ટમાં ફક્ત 101 રન જ નોંધાવી શકી હતી. આ ઉપરાંત તેનું વિકેટકીપિંગ પણ નબળું રહ્યું હતું અને કેટલાક કેચ ગુમાવ્યા હતા.

લિજેન્ડરી બેટર સુનીલ ગાવસ્કરે રાહુલનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, તમે રાહુલને વિકેટકીપર તરીકે જોઈ શકો છો. જો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પાંચમાં કે છઠ્ઠા ક્રમે બેટિંગ કરે છે તો તેનાથી ભારતની બેટિંગ વધારે મજબૂત બનશે. કારણ કે ગત વર્ષે તેણે ઈંગ્લેન્ડમાં સારો દેખાવ કર્યો હતો. લોર્ડ્સમાં તેણે સદી ફટકારી હતી. જ્યારે તમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટેની અંતિમ ઈલેવનની પસંદગી કરો છો ત્યારે તમારે રાહુલને ધ્યાનમાં રાખવો જોઈએ.

ગાવસ્કરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાહુલની હાજરીથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય બેટિંગ લાઈનઅપ મજબૂત બનશે. રાહુલને અંતિમ ઈલેવનમાં સામેલ કરવો કે નહીં તે પસંદગી સમિતિ પર આધાર રાખે છે. પરંતુ ઈંગ્લેન્ડમાં તમને એવી પિચ નહીં મળે જ્યાં વિકેટકીપરે સ્ટમ્પ્સની નજીક ઉભા રહેવું પડે છે. ત્યારે તમે રાહુલની પસંદગી કરી શકો છો અથવા તો ઈશાન કિશનની પણ ગણના કરી શકો છો. આ બંનેની બેટિંગ ભરત કરતા વધારે સારી છે.

લોકેશ રાહુલે અત્યાર સુધી ટેસ્ટમાં સાત સદી ફટકારી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી રાહુલ કંગાળ ફોર્મમાં છે. તેની અંતિમ 10 ટેસ્ટ ઈનિંગ્સમાં તેનો સર્વોચ્ચ સ્કોર 23 રનનો રહ્યો છે. હાલમાં જ સમાપ્ત થયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં તેણે 20, 17 અને 1 રનની ઈનિંગ્સ રમી હતી. જેના કારણે તેની પાસેથી ઉપસુકાની પદ છીનવી લેવામાં આવ્યું હતું. જ્યારે અંતિમ બે ટેસ્ટમાં તેને અંતિમ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે, તે યાદ રાખવું જરૂરી છે કે ભારતે 2021માં ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો હતો ત્યારે રાહુલે નોટ્ટિંગહામમાં પ્રથમ ટેસ્ટમાં 84 અને ત્યારપછી લોર્ડ્સ ટેસ્ટમાં 129 રન ફટકાર્યા હતા. જ્યારે 2018માં તેણે ઓવલમાં પાંચમી ટેસ્ટમાં સદી ફટકારી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *