lionel messi, મેસ્સી અને રોનાલ્ડો જ નહીં, આ દિગ્ગજ ફૂટબોલર્સ પણ હવે ફિફા વર્લ્ડ કપમાં નહીં જોવા મળે - from lionel messi to cristiano ronaldo the long list of fifa world cup farewells

lionel messi, મેસ્સી અને રોનાલ્ડો જ નહીં, આ દિગ્ગજ ફૂટબોલર્સ પણ હવે ફિફા વર્લ્ડ કપમાં નહીં જોવા મળે – from lionel messi to cristiano ronaldo the long list of fifa world cup farewells


કતારમાં રમાયેલો ફિફા વર્લ્ડ કપ 2022 લાયનલ મેસ્સીના કારણે યાદગાર રહેશે. રવિવારે ફ્રાન્સ સામે રમાયેલી ફાઈનલમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી વિજય નોંધાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. જેમાં મેસ્સીનું મેજિક જોવા મળ્યું હતું. આ સાથે જ આર્જેન્ટિના અને મેસ્સીનું વર્ષો જૂનું સપનું સાકાર થયું હતું. 35 વર્ષીય મેસ્સીએ ગોલ્ડન બોલનો એવોર્ડ પણ જીત્યો હતો. જ્યારે ફ્રાન્સના કિલિયાન એમબાપેને ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ નોંધાવવા માટે ગોલ્ડન બૂટનો એવોર્ડ મળ્યો હતો. સૌથી વધુ ગોલ નોંધાવવામાં મેસ્સી બીજા ક્રમે રહ્યો હતો. આર્જેન્ટિનાની ટીમ ફાઈનલમાં પહોંચી ત્યારે જ મેસ્સીએ જાહેરાત કરી હતી કે ફાઈનલ મેચ આર્જેન્ટિના માટે તેની અંતિમ મેચ રહેશે. આમ મેસ્સીએ વર્લ્ડ કપ ટ્રોફી સાથે વિદાય લીધી પરંતુ એવા ઘણા સ્ટાર ખેલાડીઓ છે જેમના માટે પણ આ વર્લ્ડ કપ અંતિમ વર્લ્ડ કપ બની રહ્યો. જેમાં મેસ્સીના હરીફ પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો પણ સમાવેશ થાય છે. આ બંને ખેલાડીએ છેલ્લા ઘણા વર્ષોથી ફૂટબોલ જગત પર રાજ કર્યું છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પોર્ટુગલ)
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 37 વર્ષનો છે અને ઘણા વર્ષોથી તે પોર્ટુગલનો કેપ્ટન પણ રહ્યો છે. હાલમાં તે એક પણ ક્લબ સાથે જોડાયેલો પણ નથી. ક્વાર્ટર ફાઈનલમાં પોર્ટુગલને મોરોક્કો સામે 1-0થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો ત્યારે રોનાલ્ડોએ રડતાં-રડતાં મેદાન છોડ્યું હતું. તે જાણતો હતો કે તેના માટે વર્લ્ડ કપ ટ્રોફી જીતવાની આ અંતિમ તક હતી. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું હતું કે, હું મહાન ખેલાડીઓ સાથે અને પોર્ટુગલના લાખો લોકોના સમર્થન સાથે પાંચ વર્લ્ડ કપમાં રમ્યો છું. મેં મારું સઘળું આપ્યું છે. મેં ક્યારેય લડત આપવાથી પાછી પાની કરી નથી.

શું નેઈમાર પાછો ફરશે? (બ્રાઝિલ)
બ્રાઝિલનો સ્ટાર નેઈમાર પણ આગામી વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. બ્રાઝિલને ક્વાર્ટર ફાઈનલમાં ક્રોએશિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું હતું કે તે માનસિક રીતે ભાંગી પડ્યો છે અને તેણે સંકેત પણ આપી દીધો હતો કે આ મેચ બ્રાઝિલ માટે તેની અંતિમ મેચ હોઈ શકે છે. ઈજાના કારણે કતારમાં તે બે મેચ રમી શક્યો ન હતો પરંતુ બાદમાં પુનરાગમન કરતાં પેલેના 77 ગોલના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. જોકે, નેઈમાર હાલમાં 30 વર્ષનો છે અને આગામી વર્લ્ડ કપ સુધી તે 34 વર્ષનો હશે. મેસ્સી 35 વર્ષની ઉંમરે કતારમાં રમ્યો અને દેશને ટ્રોફી જીતાડી. તેથી નેઈમાર ઈચ્છે તો તે આગામી વર્લ્ડ કપમાં બ્રાઝિલ માટે રમી શકે છે. પેલેએ પણ નેઈમારને હિંમત ન હારવાનું કહ્યું છે.

લુકા મોડ્રિક (ક્રોએશિયા)
ક્રોએશિયા માટે છેલ્લા બે વર્લ્ડ કપ યાદગાર રહ્યા છે. 2018માં તે ફાઈનલમાં પહોંચ્યું હતું જ્યાં ફ્રાન્સ સામે તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 2022 કતારમાં સેમિફાઈનલમાં તે આર્જેન્ટિના સામે હારી ગયું. જેમાં એક ખેલાડીનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું હતું અને તે છે લુકા મોડ્રિક. 2018માં બેલન ડી ઓર એવોર્ડ જીતનારો મોડ્રિક 37 વર્ષનો છે અને તેથી સંભવિત રીતે કતાર વર્લ્ડ કપ તેની અંતિમ ટુર્નામેન્ટ રહી છે. જોકે, નેશન્સ લીગને ધ્યાનમાં રાખતા તેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને 2023 સુધી લંબાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

રોબર્ટ લેવાન્ડોવસ્કી (પોલેન્ડ)
રોબર્ટ લેવાન્ડોવસ્કી ઘણો જ શાનદાર ખેલાડી છે. કતારમાં 34 વર્ષની વયે તેણે વર્લ્ડ કપમાં પોતાનો પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. તેણે સાઉદી અરબ સામેની મેચમાં ગોલ નોંધાવ્યો હતો. જોકે, બાર્સેલોનાના ફોરવર્ડે આગામી વર્લ્ડ કપમાં તે રમશે કે નહીં તે અંગે હજી કોઈ સ્પષ્ટતા કરી નથી.

લૂઈસ સુઆરેઝ અને એડિનસન કાવાની (ઉરૂગ્વે)
ઘણા વર્ષોથી ઉરૂગ્વેના આક્રમણની આગેવાની કરી રહેલા આ બંને દિગગ્જ ફૂટબોલર કતારમાં રમાયેલા વર્લ્ડ કપમાં એક પણ ગોલ નોંધાવી શક્યા ન હતા. ઉરૂગ્વે ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું ત્યારબાદ 35 વર્ષીય સુઆરેઝે ગુસ્સામાં ટ્વિટ કર્યું હતું કે ઉરુગ્વેને જે સન્માન આપવાનું હતું તે આપવામાં આવ્યું ન હતું. જ્યારે કાવાનીએ ગુસ્સામાં VAR મોનિટર પર ફટકો માર્યો હતો.

હેઝાર્ડ, ગેરાથ બેલ અને કરીમ બેન્ઝેમા પણ નહીં દેખાય
આ ઉપરાંત આ યાદીમાં બેલ્જિયમનો એડન હેઝાર્ડ પણ સામેલ છે. તેની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ ત્યારબાદ તેણે નિવૃત્તિ જાહેર કરી હતી. જ્યારે વેલ્સનો 33 વર્ષીય ગેરાથ બેલ પણ કતારમાં અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નહીં. તેણે અમેરિકા સામેની મેચમાં પેનલ્ટી પર એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. હવે આગામી વર્લ્ડ કપમાં તે રમશે કે નહીં તે જોવાનું રહેશે. હાલનો બેલન ડી ઓર વિજેતા ફ્રાન્સના કરીમ બેન્ઝેમાને ગુડબાય કહેવાની તક પણ મળી નથી. ટુર્નામેન્ટ અગાઉ તે ઈજાગ્રસ્ત થયો હતો. રિયલ મેડ્રિડ માટે રમી રહેલો બેન્ઝેમા ફક્ત 2014નો વર્લ્ડ કપ રમ્યો હતો. 34 વર્ષી બેન્ઝેમા માટે વર્લ્ડ કપ રમવાની તક હવે જતી રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *