જોકે, 33 વર્ષીય મહિલાને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે આર્જેન્ટિનાને પોતાની પ્રથમ મેચમાં સાઉદી અરબ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જોકે, નાજી નૌશીએ આશા વ્યક્ત કરી છે કે આર્જેન્ટિના આગામી મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરશે. આર્જેન્ટિનાનો હવે પછીનો મુકાબલો મેક્સિકો સામે રવિવારે છે.
તેણે જણાવ્યું હતું કે, હું મારા હીરો લાયનલ મેસ્સીને રમતો જોવા ઈચ્છું છું. સાઉદી અરબ સામેનો પરાજય મારા માટે મોટા આઘાત સમાન હતો પરંતુ મને વિશ્વાસ છે કે આ આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજયમાં આવેલો નાનકડો અવરોધ છે. નૌશી પોતાની એસયુવીમાં ખાડીના દેશોમાંથી પસાર થઈ હતી. તેણે મુંબઈથી પોતાની એસયુવી ઓમાન શિપ કરાવી હતી. રસપ્રદ વાત એ છે કે ઓમાનમાં શિપ થયેલું આ પ્રથમ રાઈટ હેન્ડ વ્હીકલ (જેમાં સ્ટીયરિંગ જમણી તરફ આવે) છે. તેણે પોતાના પ્રવાસની શરૂઆત મસ્કતથી કરી હતી અને પોતાની એસયુવીમાં યુએઈ પહોંચી હતી. ત્યાં તે દુબઈમાં વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફા જોવા માટે રોકાઈ હતી.
પ્રથમ વખત બુર્જ ખલિફા જોવાના પોતાના અનુભવ વિશે જણાવતા તેણે કહ્યું હતું કે, જ્યારે મેં મારા પ્રવાસની શરૂઆત કરી ત્યારે બુર્જ ખલિફા જોવી મારા લિસ્ટમાં સામેલ હતું. નૌશાએ પોતાની એસયુવીનું નામ ‘ઉલુ’ રાખ્યું જેની અંદર એક રસોડું છે અને તેની છત તરીકે એક ટેન્ટ રાખ્યો છે જેનાથી તે પ્રવાસ દરમિયાન ભોજન બનાવી શકે. તેણે પોતાની કારમાં પલાળેલા ચોખા, પાણી, લોટ, મરીમસાલા અને અન્ય સૂકો સામાન રાખ્યો છે. તેણે કહ્યું હતું કે હું શક્ય તેટલી વસ્તુઓ બનાવવાનો પ્રયાસ કરું છું અને જાતે રાંધવા પાછળનો હેતું રૂપિયા બચાવવાનો છે. આ ઉપરાંત તેનાથી ફૂડ પોઈઝનિંગનું જોખણ પણ ઓછું રહે છે.