લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત થયા બાદ કૃણાલ પંડ્યાને સિઝનની અધવચ્ચે ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે. તેણે કહ્યું હતું કે તેના સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા જેના કારણે બેટિંગ ચાલું રાખવી તેના માટે મુશ્કેલ બની હતી. તેણે કહ્યું હતું કે, ક્રેમ્પના કારણે મારા સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા. હું હંમેશા ટીમ પ્લેયર રહ્યો છું અને ટીમ માટે કંઈ પણ કરી શકું છું. મેચના પરિણામથી મને ઘણી ખુશી છે.
લખનૌની બેટિંગ દરમિયાન 17મી ઓવર શરૂ થવાની હતી તે પહેલા કૃણાલ પંડ્યાએ પેવેલિયન પરત ફરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે કૃણાલ 42 બોલમાં 49 રને રમી રહ્યો હતો. જોકે, ઘણા ક્રિકેટપ્રેમીઓ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. એવી પણ ચર્ચા ચાલી હતી કે કૃણાલ પંડ્યા ઝડપથી રન નોંધાવી શકતો ન હતો તેથી તે ઈજાનું ખોટું બહાનું બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જેથી નિકોલસ પૂરન બેટિંગમાં આવી શકે અને ટીમની રનગતિ વધારે ઝડપી બને. જોકે, નિકોલસ પૂરન આઠ બોલમાં આઠ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે માર્ક્સ સ્ટોઈનિસે 47 બોલમાં તાબડતોબ બેટિંગ કરતાં 89 રન ફટકાર્યા હતા. કૃણાલ પંડ્યાએ ફિલ્ડિંગમાં આવ્યો હતો અને તેણે બોલિંગ પણ કરી હતી. તેણે ચાર ઓવરમાં 27 રન આપ્યા હતા. જોકે, તે એક પણ વિકેટ ઝડપી શક્યો ન હતો.
આ મેચ અંતિમ ઓવર સુધી રોમાંચક રહી હતી. લખનૌએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 177 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે આક્રમક શરૂઆત કરી હતી પરંતુ બાદમાં લખનૌના બોલર્સે વળતો પ્રહાર કર્યો હતો. મુંબઈની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટે 172 રન નોંધાવી શકી હતી.ગજેના કારણે લખનૌનો પાંચ રને રોમાંચક વિજય થયો હતો. આ વિજય સાથે જ લખનૌએ પ્લેઓફમાં પહોંચવાની પોતાની દાવેદારી વધારે મજબૂત બની છે.