રાહુલનો છગ્ગો જોઈ વિરાટ દંગ રહી ગયો
ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા કેએલ રાહુલે 32 બોલમાં 50 રન ફટકાર્યા હતા. આ દરમિયાન કેએલ રાહુલનો છગ્ગો જોઈ વિરાટને સુખદ આશ્ચર્ય થયું હતું. શોરફુલ ઈસ્લામની ઓવરના ચોથા બોલે કેએલ રાહુલે 96 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો. એ વખતે વિરાટો કોહલી નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભો હતો. કેએલનો છગ્ગો જોઈને વિરાટ દંગ રહી ગયો હતો. વિરાટનું રિએક્શન જોઈને સ્પષ્ટ થાય છે કે, તે કેએલના આ છગ્ગાથી કેટલો પ્રભાવિત થયો હતો. કોહલીના રિએક્શનનો વિડીયો ફેન્સ અને ફોલોઅર્સ વચ્ચે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ કહી રહ્યા છે કે, વિરાટના એક્સપ્રેશન કહી જાય છે કે, ‘સારું, રમ્યો કેએલ રાહુલ’. અન્ય એક ફેને લખ્યું, ’96 મીટરનો છગ્ગો હતો ગુરુ, આવું એક્સપ્રેશન તો આવવાનું જ હતું.’
સેમિફાઈનલમાં ભારતનું સ્થાન લગભગ પાક્કું
બાંગ્લાદેશ સામે DLS નિયમ અનુસાર ભારતે 5 રને જીત મેળવીને ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે. આ મેચમાં ભારતે 184 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશે 7 ઓવરમાં 66 રન બનાવ્યા હતા. વરસાદના કારણે મેચ અટકાવી દેવામાં આવતા ભારતીય છાવણીમાં નિરાશા જોવા મળી હતી, કારણ કે ભારત DLS નિયમમાં પાછળ પડી રહ્યું હતું. પરંતુ જ્યારે મેચ શરૂ થઈ ત્યારે બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો અને રોહિત સેનાએ જબરદસ્ત વાપસી કરીને મેચ જીતી લીધી.