ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અંગે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું. બીસીસીઆઈ એ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ટાંકીને ટ્વિટ કર્યું હતું કે, કેએલ રાહુલ ખરેખર સારી પ્રગતિ કરી રહ્યો છે. પરંતુ એશિયા કપમાં પાકિસ્તાન અને નેપાળ સામેની પ્રથમ બે મેચ માચે ઉપલબ્ધ રહેશે નહીં. દ્રવિડે બેંગલુરૂના અલુરમાં ભારતના ટ્રેનિંગ કેમ્પના અંતિમ દિવસ બાદ આ નિવેદન જારી કર્યું હતું.
રાહુલ દ્રવિડે કહ્યું હતું કે કેએલ રાહુલ ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકા નહીં જાય. હાલ તે એનસીએમાં જ રહેશે. અમે 4 સપ્ટેમ્બરના રોજ ફરીથી મૂલ્યાંકન કરીશું અને જો તે ફિટ થશે તો તે શ્રીલંકા પહોંચી જશે. તે પ્રથમ બે મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આનો અર્થ એ થયો કે જો ભારત ક્વોલિફાય થશે તો જ રાહુલ સુપર 4 સ્ટેજ માટે ઉપલબ્ધ થશે. ઈશાન કિશન પાકિસ્તાન અને નેપાળ સામે વિકીટકીપર-બેટ્સમેન તરીકે રમવા માટે તૈયાર છે.
એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ રાહુલની ઉપલબ્ધતા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પુષ્ટિ કરી હતી કે રાહુલની જૂની ઈજા તો સાજી થઈ ગઈ છે પરંતુ તેને એક નવી ઈજા થઈ છે. રાહુલે એશિયા કપના બાકીના ખેલાડીઓ સાથે અલુરમાં 6-દિવસીય ફિટનેસ અને મેડિકલ કેમ્પમાં હાજરી આપી હોવા છતાં, તે યો-યો ફિટનેસ ટેસ્ટ માટે હાજર થયો ન હતો.
આઈપીએલ લીગ મેચ દરમિયાન થયેલી ઈજાને કારણે રાહુલ લાંબા સમય સુધી મેદાનથી દૂર હતો. તેણે લંડનમાં સર્જરી કરાવી હતી અને ત્યારથી તેણે શ્રેયસ અય્યર અને જસપ્રિત બુમરાહ સાથે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં લાંબો સમય વિતાવ્યો હતો. બુમરાહ અને ઐયરે સંપૂર્ણ ફિટનેસ પાછી મેળવી હતી. દરમિયાન રાહુલને કમનસીબે નવી ઈજા થઈ.