હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
વિરાટ કોહલીની અડધી સદી એળે ગઈ, બેંગલોરનો પરાજય
201 રનના કપરા લક્ષ્યાંકને પાર પાડવા માટે મેદાનમાં ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસિસની ઓપનિંગ જોડી ટીમને સારી શરૂઆત અપાવી શકી ન હતી. ડુપ્લેસિસ 17 રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ શાહબાઝ અહેમદ બે તથા ગ્લેન મેક્સવેલ પાંચ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. 58 રનમાં બેંગલોરે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, વિરાટ કોહલીએ એક છેડો જાળવી રાખ્યો હતો.
કોહલીને સામે છેડે મહિપાલ લોમરોર અને બાદમાં દિનેશ કાર્તિકનો સાથ મળ્યો હતો. પરંતુ આ બંને બેટર સેટ થઈ ગયા બાદ આઉટ થઈ ગયા હતા. મહિપાલે એક ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 34 રન ફટકાર્યા હતા. જ્યારે કાર્તિકે 22 રનનું યોગદાન આપ્યું હતું. કોહલીએ પોતાની અડધી સદી પૂરી કરી હતી પરંતુ ત્યારબાદ તે આઉટ થઈ ગયો હતો. તેણે 37 બોલમાં છ ચોગ્ગાની મદદથી 54 રન ફટકાર્યા હતા. બેંગલોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 179 રન નોંધાવી શકી હતી. કોલકાતા માટે વરૂણ ચક્રવર્તીએ ત્રણ તથા સુયશ શર્મા અને આન્દ્રે રસેલે બે-બે વિકેટ ઝડપી હતી.
જેસન રોયની અડધી સદી, કેપ્ટન નિતિશ રાણાની આક્રમક બેટિંગ
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીતીને કોલકાતા નાઈટ રાઈડર્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કોલકાતાએ જેસન રોય અને જગદીશનની ઓપનિંગ જોડીની આક્રમક બેટિંગની મદદથી શાનદાર શરૂઆત કરી હતી. આ જોડીએ 9.2 ઓવરમાં 83 રનની ભાગીદારી નોંધાવી હતી. જગદીશન 29 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 27 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે જેસન રોયે અડધી સદી ફટકારી હતી. તેણે 29 બોલમાં 56 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં ચાર ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી.
ત્યારબાદ વેંકટેશ ઐય્યર અને કેપ્ટન નિતિશ રાણાએ પણ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવીને આક્રમક બેટિંગ કરી હતી. જેના કારણે ટીમનો સ્કોર 200 પર પહોંચ્યો હતો. ઐય્યરે 26 બોલમાં 31 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે રાણાએ 21 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 48 રન ફટકાર્યા હતા. આન્દ્રે રસેલ એક રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે રિંકુ સિંહે 10 બોલમાં અણનમ 18 અને વિસીએ ત્રણ બોલમાં બે સિક્સર સાથે અણનમ 12 રનનું યોગદાન આપ્યું હતું. બેંગલોર માટે વાનિન્દુ હસારંગા અને વિજયકુમારે બે-બે તથા સિરાજે એક વિકેટ ઝડપી હતી.