દિલ્હીના સુકાનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પરંતુ જયદેવ ઉનડકટ પ્રથમ ઓવરથી જ ત્રાટક્યો હતો અને દિલ્હીના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી દીધો હતો. જયદેવ ઉનડકટે ઓવરના ત્રીજા બોલ પર ધ્રુવ શૌરીને આઉટ કરીને શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે વૈભવ રાવલને આઉટ કર્યો હતો. જ્યારે યશ ધુલ તેનો સળંગ ત્રીજો શિકાર બન્યોય હતો.
જોકે, ઉનડકટનો તરખાટ અહીં અટક્યો ન હતો. તેણે દિલ્હીની ટીમ પર દબાણ બનાવ્યું હતું અને બાદમાં જોન્ટી સિદ્ધુ, લલિત યાદવ, લક્ષ્ય થરેજા, શિવાંક વશિષ્ટ અને કુલદીપ યાદવની વિકેટ પણ ઝડપી હતી. જયદેવ ઉનડકટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને દિલ્હીને સસ્તામાં પેવેલિયન ભેગું કરી દીધું હતું. ઉનડકટનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 41 રન આપીને સાત વિકેટનું હતું.
નોંધનીય છે કે ઉનડકટે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાં કમબેક કર્યું છે. તેણે 12 વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં કમબેક કર્યું હતું. 31 વર્ષીય જયદેવ ઉનડકટે તેની પ્રથમ અને એકમાત્ર ટેસ્ટ મેચ 2010માં રમી હતી. ત્યારે ટીમમાં સચિન તેંડુલકર અને વર્તમાનમાં ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓ રમી રહ્યા હતા. તેણે બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ મેચ દ્વારા કમબેક કર્યું ત્યારે દ્રવિડ કોચ તરીકે ટીમ સાથે જોડાયેલો હતો. આ ટેસ્ટમાં ઉનડકટે ત્રણ વિકેટ ઝડપી હતી.