ચેન્નઈની બેટિંગની શરુઆત જ થઈ છે અને ત્યાં જ વરસાદ શરૂ થયો છે. હાલ પૂરતી મેચ રોકાઈ ગઈ છે અને પીચ પર કવર્સ ઢાંકી દેવામાં આવ્યા છે. ત્યારે સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા કેટલાંક દર્શકો ગરબે ઘૂમતા જોવા મળ્યા છે. હાલ પૂરતી મેચ અટકાવી દેવામાં આવતા કેટલાંક ગ્રુપ્સ પોતાના સ્થાને ગરબે ઘૂમતા જોવા મળ્યા છે. મળતી માહિતી મુજબ, ક્રિકેટના મેદાન પર વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. નજીકની અન્ય પીચ પર કવર્સ હટાવતા પાણી નીચે ઢળતા તે ભીની થઈ છે. આવી સ્થિતિમાં મેદાનમાંથી પાણીને હટાવવાની કામગીરી ઝડપથી શરૂ કરાઈ છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ઇનિંગ્સ હજુ તો શરૂ જ થઈ હતી અને 3 જ બોલ ફેંકાયા હતા ત્યાં જ વરસાદ શરૂ થઈ ગયો હતો. ધોધમાર વરસાદના કારણે ગ્રાઉન્ડ સ્ટાફ ત્વરિત ઝડપે કામે લાગી ગયો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની ફાઈનલમાં ગુજરાતના બેટ્સમેનોએ પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. સાઈ સુદર્શને 47 બોલમાં 96 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી, જ્યારે રિદ્ધિમાન સાહાએ પણ શાનદાર 54 રન બનાવ્યા હતા. આ બે ઇનિંગ્સના કારણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતે 4 વિકેટે 214 રન બનાવ્યા.