આ દરમિયાન કેટલીક વખત વરસાદ બંધ થતાં મેદાનનું નિરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જોકે, ઘણી વખત વરસાદ અટક્યા બાદ ફરીથી શરૂ થઈ ગયો હતો. જેના કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો. આ ઉપરાંત પ્રેક્ષકો પણ ધીમે ધીમે સ્ટેડિયમ છોડીને રવાના થવા લાગ્યા હતા.પ્રક્ષકો પલડી ગયા હતા અને મેચ શરૂ થવાની આશા છોડીને રવાના થયા હતા. 10.30 વાગ્યાની આસપાસ અમ્પાયર્સ વચ્ચે થોડી ચર્ચા થઈ હતી. અંતે મેચને રિઝર્વ ડે પર મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે મેચ 29મી મે સોમવારે રાત્રે 7.30 કલાકે શરૂ થશે.
રિઝર્વ ડેએ પણ વરસાદ પડે તો શું થશે?
નિયમો અનુસાર જો આઈપીએલ ફાઈનલમાં વરસાદ થશે તો બીજા દિવસે મેચ રમાશે. જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે અને રમત શક્ય ન બને તો લીગ સ્ટેજમાં ટોચના સ્થાને રહેલી ટીમ વિજયી બનશે. આઈપીએલ 2023માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ લીગ સ્ટેજમાં ટોચ પર છે. તેથી હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમ ચેમ્પિયન બનશે. ગુજરાત ટાઈટન્સને ગત સિઝન દ્વારા આઈપીએલમાં પદાર્પણ કર્યું હતું અને પ્રથમ સિઝનમાં જ તેણે ટ્રોફી જીતી હતી.
ચેેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર બેટર અંબાતી રાયડુએ નિવૃત્તિ જાહેર કરી
વરસાદ શરૂ થયો તે પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન અંબાતી રાયડુએ ટ્વિટર પર એક જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે આ ફાઈનલ તેની છેલ્લી મેચ હશે. મુંબઈ અને ચેન્નાઈ માટે 5 વખત ટ્રોફી જીતી, કદાચ છઠ્ઠી ટ્રોફી પણ આવશે. બીજી તરફ એવું માનવામાં આવે છે કે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની માટે પણ આ છેલ્લી IPL મેચ હશે. જોકે આ અંગે ચેન્નઈ સુપર કિંગ્સ અને ધોની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
નિરાશ ચાહકો ભીંજાઈને ઘરે પરત ફર્યા
ભારે વરસાદ વચ્ચે મેચ માણવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવેલા મોટી સંખ્યામાં ચાહકો નિરાશ થઈ ગયા હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ચાહકો ઘર તરફ વળતા જોવા મળ્યા. તેમની નિરાશા સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો અને વીડિયોમાં જોઈ શકાઈ હતી. અહેવાલો અનુસાર ફાઈનલ મેચ જોવા માટે એક લાખથી વધુ પ્રશંસકો સ્ટેડિયમમાં આવવાના હતા, પરંતુ ટોસ પહેલા શરૂ થયેલા વરસાદે હજારો ચાહકોને ઘરની બહાર નીકળવાની તક આપી ન હતી.
ટોસ પહેલા જ વરસાદ શરૂ થયો હતો
ટોસના અડધા કલાક પહેલા વરસાદ શરૂ થયો હતો. ગ્રાઉન્ડસમેને તરત જ પિચ પર બે અલગ-અલગ કવર લગાવ્યા હતા. આ સિવાય ઝડપી બોલરોના રન-અપ પર પણ કવર મૂકવામાં આવ્યા હતા. આ પછી વરસાદે જોર પકડ્યું હતું અને વીજળી પણ થવા લાગી હતી. જેના કારણે મોટી સંખ્યામાં દર્શકો મેદાન પર ઉમટેલા જોવા મળ્યા. જ્યાં મુખ્ય પીચ પાસે કવર નાખવામાં આવ્યું ન હોવાથી પાણી એકઠું થયું હતું. પરિણામ એ આવ્યું કે જ્યારે વરસાદ બંધ થયો ત્યારે પણ ગ્રાઉન્ડમેનોએ સખત મહેનત કરવી પડી, પરંતુ ફરીથી વધુ ભારે વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું હતું.