ભારતીય બોલર્સે સારી શરૂઆત કરી હતી પરંતુ સાઈ હોપ અને શિમરોન હેતમાયરની આક્રમક બેટિંગના કારણે કેરેબિયન ટીમ નિર્ધારીત 20 ઓવરમાં આઠ વિકેટે 178 રનનો સ્કોર નોંધાવી શકી હતી. જોકે, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ ભારત સામે રહેલા 179 રનના લક્ષ્યાંકને એકદમ આસાન બનાવી દીધો હતો. બંનેએ આક્રમક અડધી સદી ફટકારી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો. ભારતે 17 ઓવરમાં એક વિકેટે 179 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. શુભમન ગિલે 77 તથા જયસ્વાલે અણનમ 84 રનની ઈનિંગ્સ રમી હતી. ગિલ અને જયસ્વાલે 165 રનની ભાગીદારી નોંધાવી હતી. જે આંતરરાષ્ટ્રીય ટી20માં ભારત માટે સર્વોચ્ચ ઓપનિંગ ભાગીદારી છે.
યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની આક્રમક અડધી સદી
ભારત સામે જીતવા માટે 179 રનનો લક્ષ્યાંક હતો પરંતુ ઓપનિંગ જોડી યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 15.3 ઓવરમાં 165 રનની ભાગીદારી નોંધાવી હતી. બંને પોત-પોતાની અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા હતા. જોકે, ટીમ વિજયથી થોડા રન દૂર હતી ત્યારે શુભમન ગિલ આઉટ થઈ ગયો હતો. તેણે 47 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ સિક્સર ફટકારી હતી. ગિલ રોમારિયો શેફર્ડના બોલ પર શાઈ હોપના હાથે કેચ આઉટ થયો હતો. જયસ્વાલે 51 બોલમાં 11 ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી અણનમ 84 રનની ઈનિંગ્સ રમી હતી. તિલક વર્મા સાત રને નોટઆઉટ રહ્યો હતો.
હેતમાયર અને સાઈ હોપની આક્રમક બેટિંગ એળે ગઈ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમની બેટિંગ સારી રહી હતી. જોકે, શરૂઆત થોડી નિરાશાજનક રહી હતી પરંતુ બાદમાં રોવમેન પોવેલની ટીમે પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો. જેમાં શાઈ હોપ અને હેતમાયરની આક્રમક બેટિંગ મહત્વની રહી હતી. હેતમાયરે ટીમ માટે સૌથી વધુ રન નોંધાવ્યા હતા. તેણે 39 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સર સાથે 61 રન ફટકાર્યા હતા. જ્યારે હોપે 29 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સાથે 45 રનની ઈનિંગ્સ રમી હતી. માયર્સે 17 તથા બ્રેન્ડન કિંગે 18 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે અર્શદીપ સિંહે ત્રણ, કુલદીપ યાદવે બે તથા અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમારને એક-એક સફળતા મળી હતી.