પૃથ્વી શોને તક મળશે?
ઈશાન કિશન અને શુભમન ગિલની જોડી સતત નિષ્ફળ જઈ રહી છે. શ્રીલંકા વિરુદ્ધ ત્રણ ટી20 મેચમાં આ જોડી સારી શરૂઆત કરી શકી ન હતી. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ બે મેચમાં પણ આવું જ રહ્યું હતું. રાહુલ ત્રિપાઠી પણ ચાર મેચમાં ફક્ત એક જ મેચમાં પ્રભાવશાળી બેટિંગ કરી શક્યો છે. તેથી હવે જ્યારે મેચ નિર્ણાયક છે તેવામાં પૃથ્વી શોને તક મળશે? આ સવાલ થઈ રહ્યો છે. ઈશાન કિશન વિકેટકીપર છે તેથી તેનું બહાર થવું મુશ્કેલ છે. તેવામાં રાહુલ ત્રિપાઠીને બહાર થવું પડી શકે છે. તેના સ્થાને પૃથ્વી શોને તક મળશે તો ઈશાન કિશનને ત્રીજા ક્રમે બેટિંગમાં આવવું પડી શકે છે.
મિડલ ઓર્ડરમાં ફેરફારની શક્યતા નહીં
ભારતીય ટીમમાં મિડલ ઓર્ડરમાં ફેરફાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. સૂર્યકુમાર યાદવ સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા પણ સારી બેટિંગ કરી રહ્યો છે. દીપક હુડ્ડા અને વોશિંગ્ટન સુંદર ફિનિશરની ભૂમિકામાં દેખાશે. આ ઉપરાંત આ બંને બોલિંગ પણ કરી શકે છે તેથી તેમનું બહાર થવું લગભગ અશક્ય જેવું છે.
પિચ પર આધાર રાખશે બોલિંગ આક્રમણ
ભારતીય ટીમે લખનૌ ટી20માં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ બંનેને તક આપી હતી. ત્યાંની પિચ સ્પિનર્સ માટે મદદરૂપ હતી. જો અમદાવાદમાં પણ આવું રહેશે તો બંનેને રમાડી શકાય છે. પરંતુ જો પિચ ઝડપી બોલર્સ માટે મદદરૂપ હશે તો ઉમરાન મલિકને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. 2021માં આ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી20 મેચની સિરીઝ રમાઈ હતી. જેમાં શાર્દૂલ ઠાકુરે 8 અને જોફ્રા આર્ચરે 7 વિકેટ ઝડપી હતી.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ શુભમન ગિલ, પૃથ્વી શો, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હૂડ્ડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ/ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.