ન્યૂઝીલેન્ડ 2-0થી સીરિઝ જીતી જાય તેમ હતું કેમ કે જ્યારે વરસાદના કારણે રમત અટકાવવી પડી ત્યારે ડકવર્થ-લૂઈસ પ્રમાણે યજમાન ટીમ 50 રન આગળ હતી. જોકે, તે માટે 20 ઓવરની રમત પૂરી થાય તે જરૂરી હતું. પરંતુ વરસાદ બંધ થાય તેવા કોઈ સંકેત દેખાઈ રહ્યા ન હતા અને અંતે અમ્પાયર્સે મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. રમત અટકાવવી પડી ત્યારે 220 રનના લક્ષ્યાંકના જવાબમાં ન્યૂઝીલેન્ડે 18 ઓવરમાં એક વિકેટે 104 રન નોંધાવ્યા હતા. ડેવોન કોનવે 38 રને રમતમાં હતો જ્યારે સુકાની કેન વિલિયમ્સન ખાતું ખોલાવ્યા વગર રમતમાં હતો. ઓપનર ફિન એલન 54 બોલમાં 57 રન નોંધાવીને આઉટ થયો હતો. ઉમરાન મલિકે તેની વિકેટ ઝડપી હતી.
ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ત્રણ ટી20 અને ત્રણ વન-ડે મેચની સીરિઝ મરાઈ હતી. કુલ છ મેચમાંથી ફક્ત બે જ મેચનું જ પરિણામ શક્ય બન્યું હતું. આ સીરિઝ ઓસ્ટ્રેલિયામાં સમાપ્ત થયેલા ટી20 વર્લ્ડ કપ પછીના જ સપ્તાહમાં આયોજીત કરવામાં આવી હતી. બીજી તરફ આ પ્રવાસમાં પણ ભારતીય ટીમની સિલેક્શન પોલિસીમાં નબળાઈ જોવા મળી હતી.
અગાઉ ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. શિખર ધવનની આગેવાનીવાળી ભારતીય ટીમ 47.3 ઓવરમાં 219 રનમાં આઉટ થઈ ગઈ હતી. ભારતના સ્ટાર બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. ભારત માટે સૌથી વધુ રન વોશિંગ્ટન સુંદરે નોંધાવ્યા હતા. તેણે 64 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સાથે 51 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે શ્રેયસ ઐય્યરે 49 રનનું યોગદાન આપ્યું હતું. શિખર ધવન 28, શુભમન ગિલ13, રિશભ પંત 10, સૂર્યકુમાર યાદવ છ અને દીપક હૂડા 12 રન નોંધાવીને આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ માટે એડમ મિલ્ને અને ડેરીલ મિચેલે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી. જ્યારે ટિમ સાઉધીને બે તથા લોકી ફર્ગ્યુસન અને સેન્ટનરને એક-એક સફળતા મળી હતી.