એલેક્સ હેલ્સ અને જોસ બટરલની તોફાની બેટિંગ
ઈંગ્લેન્ડ સામે 169 રનનો લક્ષ્યાંક હતો. જોકે, કેપ્ટન જોસ બટલર અને એલેક્સ હેલ્સની ઓપનિંગ જોડીએ જ તોફાની બેટિંગ કરીને આટલો લક્ષ્યાંક પાર પાડી દીધો હતો. એક પણ સમયે ભારતીય બોલર્સ આ બંને બેટર્સ પર દબાણ બનાવી શક્યા ન હતા. બંને બેટર્સે એકદમ આસાનીથી બાઉન્ડ્રી ફટકારતા હતા. લગભગ પ્રત્યેક ઓવરમાં આ બંને બેટર્સે બાઉન્ડ્રી ફટકારી હતી. જોસ બટલરે 49 બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 80 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે હેલ્સે 47 બોલમાં અણનમ 86 રન ફટકાર્યા હતા. તેણે ચાર ચોગ્ગા અને સાત સિક્સર ફટકારી હતી.
લોકેશ રાહુલ, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ નિષ્ફળ રહ્યા
ભારત માટે રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડી ઓપનિંગમાં આવી હતી. જોકે, રાહુલનું ખરાબ પ્રદર્શન યથાવત રહ્યું હતું. રાહુલ પાંચ બોલમાં પાંચ રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલી સાથે મળીને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ જોડીએ 47 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, રોહિત શર્મા 28 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 27 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવ પણ મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 10 બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 14 રનનું યોગદાન આપ્યું હતું. ભારતે 75 રનમાં તેની મહત્વની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની અડધી સદી
ભારત માટે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી હતી. જેની મદદથી ભારત મજબૂત સ્કોર નોંધાવી શક્યો હતો. વિરાટ કોહલીએ મક્કમતાપૂર્વક બેટિંગ કરી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ ઝંઝાવાતી બેટિંગ કરી હતી. કોહલી અને હાર્દિકે 61 રનની ભાગીદારી નોંધાવી હતી. કોહલી 40 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 50 રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારે ભારતનો સ્કોર 18 ઓવરમાં 136 રન હતો. જોકે, અંતિમ બે ઓવરમાં હાર્દિકે ફટકાબાજી કરી હતી અને સ્કોરને 168 રન સુધી લઈ ગયો હતો. હાર્દિકે 33 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી 63 રનની ઈનિંગ્સ રમી હતી.