ઝાકિર હસનની સદી, અક્ષર પટેલનો તરખાટ
ભારતે પ્રથમ દાવમાં 404 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં બાંગ્લાદેશી ટીમ 150 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. જોકે, 513 રનના લક્ષ્યાંકના જવાબમાં બીજા દાવમાં બાંગ્લાદેશે લડત આપી હતી. નજમુલ હુસૈન શંટો અને ઝાકિર હસને શાનદાર બેટિંગ કરી હતી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 124 રનની ભાગીદારી નોંધાવી હતી. અંતે ઉમેશ યાદવે આ જોડીને તોડવામાં સફળતા મેળવી હતી. તેણે શંટોને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે 156 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 67 રનની ઈનિંગ્સ રમી હતી. બાંગ્લાદેશ આ ઝટકામાંથી બહાર આવે તે પહેલા અક્ષરે યાસિર અલીને અંગત પાંચ રન પર આઉટ કરી દીધો હતો.
જોકે, ઝાકિરે એક છેડો જાળવી રાખ્યો હતો અને પોતાની સદી પણ પૂરી કરી હતી. જોકે, સદી પૂરી કર્યા બાદ તે પોતાના સ્કોરમાં એક પણ રન ઉમેરી શક્યો ન હતો અને અશ્વિનનો શિકાર બન્યો હતો. ઝાકિરે 224 બોલમાં 100 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં 12 ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. ત્યારબાદ બાંગ્લાદેશના મિડલ ઓર્ડરના બેટર્સ વધારે સમય ટકી શક્યા ન હતા. લિટન દાસ 19 અને અનુભવી બેટર મુશફિકુર રહિમ 23 રન નોંધાવીને આઉટ થયા હતા. જ્યારે નુરૂલ હસન ત્રણ રન નોંધાવીને પેવેલિનય ભેગો થયો હતો. સાકિબ અલ હસન 40 અને મેંહદી હસન મિરાઝ 9 રને રમતમાં છે. ભારત માટે અક્ષર પટેલે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમેશ યાદવ, રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવને એક-એક સફળતા મળી હતી.