ઓસ્ટ્રેલિયાની ઝંઝાવાતી બોલિંગ, ટીમ ઈન્ડિયાના ધૂરંધરો ફ્લોપ
ઓસ્ટ્રેલિયાના 469 રનના સ્કોર સામે બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાના ધૂરંધરો ફ્લોપ રહ્યા હતા જેના કારણે ઓસ્ટ્રેલિયાએ મેચ પર પોતાની પકડ વધારે મજબૂત બનાવી દીધી છે. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી ઓપનિંગમાં આવી હતી પરંતુ આ જોડી ટીમને યોગ્ય શરૂઆત અપાવી શકી ન હતી. ત્યારબાદ ટીમે ઉપરા-ઉપરી વિકેટો ગુમાવી હતી. રોહિત શર્મા 15 અને શુભમન ગિલ 13 રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી જોડી બેટિંગમાં હતી. ટીમને આ જોડી પાસેથી એક સારી ભાગીદારીની આશા હતી પરંતુ આ જોડીએ પણ નિરાશ કર્યા હતા. પૂજારા અને કોહલી બંને 14-14 રન નોંધાવીને આઉટ થયા હતા.
જોકે, અજિંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજાએ થોડી લડત આપી હતી. ટીમે 71 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે આ જોડીએ ધીરજપૂર્વક બેટિંગ કરી હતી. રહાણે અને જાડેજાએ 71 રનની ભાગીદારી નોંધાવી હતી. જાડેજા આક્રમક બેટિંગ કરી રહ્યો હતો પરંતુ તે મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. જાડેજાએ 51 બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 48 રનની ઈનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન પેટ કમિન્સ, મિચેલ સ્ટાર, સ્કોટ બોલેન્ડ, કેમેરોન ગ્રીન અને નાથન લાયને એક-એક વિકેટ ઝડપી હતી.