વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા વચ્ચે જામશે જંગ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ ખેલાશે. આ મેચમાં વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા વચ્ચે પણ ટક્કર થશે. આ સ્પર્ધા ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવવાના મામલે એકબીજાને પાછળ છોડવાની હશે. 2010માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે 24 ટેસ્ટમાં 2033 રન નોંધાવ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ આટલી જ ટેસ્ટમાં 1979 રન ફટકાર્યા છે.
કોણ આગળ નીકળી જશે?
ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલી કરતા 54 રન વધુ નોંધાવ્યા છે. જો વિરાટ કોહલી આ મેચમાં મોટી ઈનિંગ્સ રમે છે તો તે પૂજારાને પાછળ છોડી શકે છે. જો બંને બેટ્સમેનોનું બેટ ચાલી જશે તો વિરાટ કોહલી માટે પૂજારાને પાછળ રાખવો મુશ્કેલ બની જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પૂજારા છઠ્ઠા અને વિરાટ કોહલી સાતમા ક્રમે છે. બંને પાસે ટોપ-5માં પ્રવેશવાની તક છે. માઈકલ ક્લાર્ક 2049 રન સાથે પાંચમા અને રાહુલ દ્રવિડ 2143 રન સાથે ચોથા ક્રમે છે. સચિન તેંડુલકરે ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં સૌથી વધુ 3630 રન બનાવ્યા છે.
ભારત સળંગ બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચ્યું છે. અગાઉ ગત સિઝનમાં પણ ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી હતી. જોકે, ત્યારે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.