ભારતે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ચોથો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો
ભારતીય ટીમે પ્રથમ બેટિંગ લીધી હતી અને ટીમ ફક્ત બે જ સેસનની અંદર 109 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. ભારત માટે સૌથી વધુ રન વિરાટ કોહલીએ નોંધાવ્યા હતા. કોહલીએ 22 રન ફટકાર્યા હતા જ્યારે ઓપનર શુભમન ગિલે 21 રનનું યોગદાન આપ્યું હતું. આ ચોથી ઘટના છે જ્યારે ભારતીય ટીમ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ચોથી વખત સૌથી ઓછા સ્કોર પર આઉટ થઈ છે. ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ભારતનો સૌથી ઓછો સ્કોર 2004માં મુંબઈમાં રમાયેલી ટેસ્ટમાં હતો. ત્યારે ભારતીય ટીમ 104 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. જ્યારે 2017માં ભારતીય ટીમ પુણે ટેસ્ટમાં 105 અને 107 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી.
લોકેશ રાહુલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
છેલ્લા ઘણા સમયથી નિષ્ફળ જઈ રહેલા ઓપનર લોકેશ રાહુલને અંતે ત્રીજી ટેસ્ટમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. લોકેશ રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બંને ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો. આ ઉપરાંત છેલ્લા ઘણી સીરિઝથી તે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો ન હતો. જેના કારણે તેની આકરી ટીકાઓ થઈ રહી હતી. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ બાદ તેની પાસેથી વાઈસ કેપ્ટનની જવાબદારી પણ લઈ લેવામાં આવી હતી. લોકેશ રાહુલના સ્થાને ત્રીજી ટેસ્ટમાં શુભમન ગિલને તક આપવામાં આવી છે.