હાર્દિકની કેપ્ટનશીપ પર સવાલ
વેસ્ટ ઈન્ડીઝ સામે ટી20 સીરીઝમાં છ વર્ષ બાદ ભારતની હાર થઈ છે. એના કેટલાય કારણો છે પણ સૌથી મોટું કારણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપને માનવામાં આવે છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપની આઈપીએલમાં ખૂબ પ્રશંસા થઈ પરંતુ વેસ્ટ ઈન્ડીઝ સામેની સીરીઝમાં તેની કેપ્ટનશીપ સમજવી મુશ્કેલ રહી હતી. ખાસ કરીને છેલ્લી ટી20 મેચમાં તો તે શું કરવા માગતો હતો તે કોઈને ખબર ના પડી.
ફ્રંટલાઈન બોલરોને ના આપી બોલિંગ
વેસ્ટ ઈન્ડીઝ સામેની પાંચમી મેચમાં હાર્દિકે ફ્રંટલાઈન બોલર મુકેશ કુમાર અને અક્સર પટેલ પાસે ફક્ત એક-એક જ ઓવર નંખાવી હતી. છેલ્લી ઓવરમાં તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલને બોલ આપ્યો હતો, જેના બદલે તે અક્સર અને મુકેશને બોલિંગ આપી શક્યો હોત. એવામાં હાર્દિક પોતાની કેપ્ટનશીપમાં મૂંઝાયેલો જોવા મળ્યો હતો.
ત્રણ ઓવરમાં હાર્દિકને ના મળી વિકેટ
હાર્દિકે પોતે પણ ત્રણ ઓવરમાં બોલિંગ કરી હતી. અક્સર પટેલને 14મી ઓવરમાં બોલિંગ આપી હતી જ્યારે મુકેશ કુમારને 9મી ઓવરમાં બોલિંગ આપી હતી. હાર્દિકે ત્રણ ઓવર નાખી જેમાં 32 રન આપ્યા હતા અને એકપણ વિકેટ નહોતી મળી. એવામાં પ્રશ્ન એ થાય છે કે, જે મુકેશ કુમાર ટેસ્ટમાં નવા બોલથી બોલિંગ કરતો હતો તેને ટી20માં ડેથ ઓવરનો બોલર બનાવી દેવાયો. અક્સર પટેલ સારી બેટિંગ કે બોલિંગ નથી કરી રહ્યો તો પછી તેને કેમ ટીમમાં લીધો છે તે સમજાતું નથી.
છેલ્લી ઓવરમાં યશસ્વી અને શુભમને કર્યા નિરાશ
પાંચમી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરના બેટ્સમેન શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે નિરાશ કર્યા છે. ચોથી ટી20 મેચના ફોર્મને તે જાળવી ના શક્યા અને જલ્દી આઉટ થઈ ગયા હતા. બંને બેટ્સમેન ઉતાવળમાં હોય તેવું લાગતું હતું.
સંજુનો ફ્લોપ શો ચાલુ
સંજુ સેમસનનો ફ્લોપ શો પણ ક્યાંકને ક્યાંક ટીમ ઈન્ડિયાને ભારે પડ્યો છે. સંજુને ટી20 સીરીઝમાં સતત તક આપવામાં આવી પરંતુ તેણે તેનો ફાયદો ના ઉઠાવ્યો. તેની વિકેટ કીપિંગ પણ એવરેજ રહી હતી.