વિરાટની 46મી સદી
જોરદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલી અને ઓપનર શુભમન ગિલે સદી ફટકારી. કોહલીએ 46મી ODI અને એકંદરે 74મી આંતરરાષ્ટ્રીય સદી દરમિયાન 110 બોલમાં આઠ છગ્ગા અને 13 ચોગ્ગા સાથે અણનમ 166 રન બનાવ્યા હતા. વન-ડેમાં કરિયરની બીજી સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમવાની સાથે ગિલ (116 રન) સાથે બીજા વિકેટ માટે 131 રન અને શ્રેયસ ઐય્યર (38 રન) સાથે ત્રીજા વિકેટ માટે 108 રનની પાર્ટનરશિપ કરી હતી.
કોહલીની ઈનિંગની મદદથી ભારત છેલ્લી 11 ઓવરમાં 126 રન બનાવી શક્યું હતું. શ્રીલંકા માટે, લાહિરુ કુમારા અને કસુન રાજિતાએ બે-બે વિકેટ લીધી પરંતુ અનુક્રમે 87 અને 81 રન આપ્યા. રોહિત શર્મા (42)એ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને ગિલ સાથે પ્રથમ વિકેટ માટે 95 રન જોડીને ટીમને સારી શરૂઆત અપાવી હતી.
ગિલ-કોહલીએ ધૂમ મચાવી
રોહિતે 10 ઓવરમાં રજિતા પર સતત બોલમાં બે સિક્સર અને એક ફોર ફટકારીને ટીમનો સ્કોર 75 રન સુધી પહોંચાડ્યો હતો. જોકે રોહિતે ચમિકા કરુણારત્નેના બોલને પુલ કરવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર અવિશકા ફર્નાન્ડોને કેચ આપી દીધો હતો. તેણે 49 બોલની ઈનિંગમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલી શરૂઆતથી જ સારા ટચમાં જોવા મળ્યો હતો. તેણે કરુણારત્ને પર ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું હતું. ગિલે 52 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
વિરાટે બનાવ્યો રેકોર્ડ
કોહલીએ 21મી સદી સાથે ઘરેલું મેદાન પર સૌથી વધુ સદી ફટકારવાનો સચિન તેંડુલકર (20 સદી)નો રેકોર્ડ તોડી નાખ્યો. વનડેમાં કોહલી કરતાં માત્ર તેંડુલકર (49)ના નામે વધુ સદી છે. પોતાની સદી પૂરી કર્યા બાદ કોહલીએ સતત બે છગ્ગા ફટકાર્યા. ત્યારબાદ ઐય્યર લાહિરુ કુમારાનો શિકાર બન્યો હતો. કુમારાએ રાહુલ (07)ને જ્યારે રજિતાએ સૂર્યકુમાર યાદવ (04)ને પેવેલિયન મોકલ્યો હતો.
સિરાજે શરૂઆતી ઝટકા આપ્યા
શ્રીલંકાને પહેલો ઝટકો ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે આપ્યો હતો. તેણે બીજી જ ઓવરમાં અવિષ્કા ફર્નાન્ડો (1)ને પેવેલિયન મોકલી દીધો હતો. આ પછી કુસલ મેન્ડિસ (4), વાનિન્દુ હસરાંગા (1) અને નુવાનિન્દુ ફર્નાન્ડો (19)ને પણ સિરાજે પ્રથમ પાવરપ્લેમાં જ આઉટ કર્યા હતા. શ્રીલંકાના 10 ઓવર પછી 39 રનમાં 5 વિકેટ હતી.
પાવરપ્લે બાદ સિરાજે ચમિકા કરુણારત્નેને રનઆઉટ કર્યો હતો. ત્યારબાદ કેપ્ટન દાસુન શનાકાને કુલદીપ યાદવે બોલ્ડ કર્યો હતો. કન્સશન સબસ્ટિટ્યૂટ ડ્યુનિથ વેલેસને મોહમ્મદ શમીએ 3 રને આઉટ કર્યો હતો. શ્રીલંકાની 8 વિકેટ 51 રનમાં પડી ગઈ હતી. રાજિતા અને કુમારાએ 9મી વિકેટ માટે 23 રન જોડ્યા હતા. કુલદીપ યાદવે કુમારાને (9) બોલ્ડ કર્યો હતો. ઈજાગ્રસ્ત બંદારા બેટિંગ કરવા આવ્યો ન હતો અને ભારતે મેચ જીતી લીધી હતી. સિરાજે 34 રન આપીને 4 વિકેટ લીધી હતી. વનડેમાં આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.