હાર્દિક પંડ્યાએ પોતાના નેતૃત્વમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યું તે સાથે તેની કેપ્ટનસીની પ્રશંસા ચોમેર થઈ હતી. એટલું જ નહીં હવે તેને ભારતીય ટી20 અને વન-ડે ટીમના ભાવિ સુકાની તરીકે જોવામાં આવે છે. બીજી તરફ ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા યુવાન બેટર શુભમન ગિલે પણ પોતાની જાતને પ્રસ્થાપિત કરી દીધી છે. ગિલ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રણેય ફોર્મેટનો મહત્વનો ખેલાડી બની ગયો છે.
હાર્દિક પંડ્યા અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી અને ટીમ માટે સૌથી વધુ રન નોંધાવનારા ખેલાડી રહ્યા હતા. હાર્દિકે 487 અને ગિલે 483 રન નોંધાવ્યા હતા. મોહમ્મદ શમી અને રાશિદ ખાનની હાજરીથી ટીમનું બોલિંગ આક્રમણ મજબૂત રહ્યું હતું. શમીએ 20 અને રાશિદે 19 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ટીમ પાસે લોકી ફર્ગ્યુસન, અલઝારી જોસેફ, શિવમ માવી અને યશ દયાલ જેવા અન્ય સ્ટાર ખેલાડીઓ પણ છે. ભારતીય ટીમનો ભૂતપૂર્વ ઝડપી બોલર આશિષ નેહરા ટીમનો મુખ્ય કોચ છે. નેહરાએ પણ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમની ભૂમિકા સ્પષ્ટ કરી દીધી હતી.
ટીમ પાસે ન્યૂઝીલેન્ડનો અનુભવી ખેલાડી કેન વિલિયમ્સન છે જે ત્રીજા ક્રમે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત તેની પાસે નેતૃત્વનો પણ બહોળો અનુભવ છે. આ ઉપરાંત ટીમ પાસે ટી20 વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો આયર્લેન્ડનો બોલર જોશ લિટલ પણ છે. જ્યારે રાહુલ તેવાટિયા પણ ફોર્મમાં છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2022-23માં આઠ મેચમાં 14 વિકેટ ઝડપી હતી.
ટીમ પાસે સૌથી મહત્વની સ્ટ્રેન્થ હાર્દિક પંડ્યા છે. તે બોલિંગ અને બેટિંગ બંનેમાં ઉદારહરણ રૂપ પ્રદર્શન કરે છે. આ ઉપરાંત તેની કેપ્ટનસી પ્રેરણાદાયક રહી છે. તે પ્રત્યેક ખેલાડી સાથે એક સમાન રીતે વર્તે છે અને ખેલાડીઓ સાથે કેપ્ટન કરતાં મિત્ર તરીકે વધારે વર્તે છે. તે ખેલાડીઓ પાસેથી તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવવાનું જાણે છે. આ જ રીતે કોચ આશિષ નેહરા પણ આવી જ ભૂમિકા ભવે છે.
ગુજરાતની ટીમ પાસે સાઉથ આફ્રિકાનો આક્રમક બેટર ડેવિડ મિલર છે પરંતુ તે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટીમની પ્રથમ મેચ માટે ઉપલબ્ધ નથી. જોકે, તે બીજી મેચથી ટીમ સાથે જોડાય તેવી અપેક્ષા છે. મિલર દબાણમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે જાણીતો છે. તે ગુજરાત માટે મેચ ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. મિડલ ઓર્ડરમાં તે ઘણો જ ખતરનાક બેટર છે. વિકેટકીપર રિદ્ધિમાન સહા અનુભવી છે પરંતુ તેને યુવાન વિકેટકીપર કેએસ ભરત તરફથી સ્પર્ધા મળી શકે છે.