મુંબઈ સામે 208 રનનો લક્ષ્યાંક હતો પરંતુ ગુજરાતની શાનદાર બોલિંગ સામે મુંબઈના બેટર્સ ફ્લોપ રહ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા બે, ઈશાન કિશન 13, કેમેરોન ગ્રીન 33 અને તિલક વર્મા બે રન નોંધાવીને આઉટ થયા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવ 23 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. ટીમ માટે નેહલ વાઢેરાએ 21 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 40 રન ફટકાર્યા હતા પરંતુ તેનાથી ટીમને કોઈ ફાયદો થયો ન હતો. ગુજરાત માટે નૂર અહેમદે ત્રણ તથા રાશિદ ખાન અને મોહિત શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ એક વિકેટ પોતાના નામે કરી હતી.
ગુજરાત ટાઈટન્સના બેટર્સની આક્રમક બેટિંગ, નોંધાવ્યો જંગી સ્કોર
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, ત્રીજી જ ઓવરમાં ટીમને પ્રથમ ઝટકો લાગ્યો હતો. રિદ્ધિમાન સહા ચાર રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા 13 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. જોકે, ઓપનર શુભમન ગિલે એક છેડો જાળવી રાખ્યો હતો. તેણે શાનદાર બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી. શુભમન ગિલે 34 બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 56 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે વિજય શંકર 19 રન નોંધાવીને આઉટ થયો હતો.
12.2 ઓવરમાં ટીમનો સ્કોર ચાર વિકેટે 101 રન હતો. પરંતુ બાદમાં ડેવિડ મિલર અને અભિનવ મનોહર તથા રાહુલ તેવટિયાએ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. આ ત્રણેય બેટ્સમેને કરેલી ઝંઝાવાતી બેટિંગની મદદથી જ ટીમ 200થી વધુ રનનો સ્કોર નોંધાવી શકી હતી. મિલરે 22 બોલમાં બે ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 46 રન ફટકાર્યા હતા. જ્યારે અભિનવ મનોહરે 21 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 42 રનની ઈનિંગ્સ રમી હતી. તેવટિયાએ પાંચ બોલમાં 20 રન ફટકાર્યા હતા જેમાં ત્રણ સિક્સર સામેલ હતી. મુંબઈ માટે પિયુષ ચાવલાએ બે તથા અર્જુન તેંડુલકર, બેહરેન્ડોર્ફ, રિલી મેરેડિથ અને કુમાર કાર્તિકેયે એક-એક વિકેટ ઝડપી હતી.