gt vs dc ipl 2023, IPL: શમીનો ઝંઝાવાત અને હાર્દિકની અડધી સદી એળે ગઈ, ગુજરાત સામે દિલ્હીનો રોમાંચક વિજય - ipl 2023 shami foru fer and hardik pandya fifty goes in vain as delhi beat gujarat

gt vs dc ipl 2023, IPL: શમીનો ઝંઝાવાત અને હાર્દિકની અડધી સદી એળે ગઈ, ગુજરાત સામે દિલ્હીનો રોમાંચક વિજય – ipl 2023 shami foru fer and hardik pandya fifty goes in vain as delhi beat gujarat


મોહમ્મદ શમીની ઝંઝાવાતી બોલિંગ તથા કેપ્ટન હાર્દિક પંડ્યાની અણનમ અડધી સદી છતાં ગુજરાત ટાઈટન્સને દિલ્હી કેપિટલ્સ સામે પાંચ રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલો મુકાબલો અત્યંત રોમાંચક રહ્યો હતો. જેમાં અંતિમ ઓવરમાં દિલ્હી ટીમે બાજી મારી હતી. આ મેચ લો-સ્કોરિંગ રહી હતી. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, મોહમ્મદ શમીની તોફાની બોલિંગ સામે દિલ્હીના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. પરંતુ અમન હકિમ ખાનની અડધી સદીની મદદથી દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટે 130 રન નોંધાવ્યા હતા.

જેના જવાબમાં ગુજરાતના બેટર્સનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. હાર્દિક પંડ્યા 59 રન નોંધાવીને અણનમ રહ્યો હતો તેમ છતાં તે ટીમને વિજય અપાવી શક્યો ન હતો. ગુજરાતની ટીમ 20 ઓવરમાં છ વિકેટે 125 રન નોંધાવી શકી હતી. ગુજરાતને જીતવા માટે 9 બોલમાં 30 રનની જરૂર હતી ત્યારે રાહુલ તેવાટિયાએ ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારીને ગુજરાતને જીતની નજીક લાવી દીધું હતું. જોકે, અંતિમ ઓવર અનુભવી ઈશાંત શર્માએ કરી હતી. તેણે અંતિમ ઓવરમાં 18 રનનો બચાવ કર્યો હતો અને ગુજરાતને વિજયથી વંચિત રાખ્યું હતું.

કેપ્ટન હાર્દિક પંડ્યાની અડધી સદી એળે ગઈ, ગુજરાતનો પરાજય
ગુજરાત સામે 131 રનનો લક્ષ્યાંક હતો અને હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમની શરૂઆત પણ અત્યંત ખરાબ રહી હતી. રિદ્ધિમાન સહા ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો જ્યારે શુભમન ગિલ છ જ રન નોંધાવી શક્યો હતો. વિજય શંકર છ રન અને ડેવિડ મિલર ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગા થયા હતા. 34 રનમાં ગુજરાતે તેની ચાર મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક છેડો જાળવી રાખ્યો હતો. હાર્દિકને પહેલા અભિનવ મનોહર અને બાદમાં રાહુલ તેવાટિયાનો સાથ મળ્યો હતો.

જોકે, અણીના સમયે તેવાટિયા આઉટ થયો હતો અને ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. મનોહર 26 રન નોંધાવીને આઉટ થયો હતો. ગુજરાતને જીતવા માટે 9 બોલમાં 30 રનની જરૂર હતી ત્યારે તેવાટિયાએ સળંગ ત્રણ સિક્સર ફટકારી હતી. જેના કારણે ગુજરાતને છ બોલમાં 18 રન જોઈતા હતા. જોકે, ઈશાંત શર્માએ અંતિમ ઓવર શાનદાર કરી હતી. તેણે તેવાટિયાને પેવેલિયન ભેગો કર્યો હતો. તેવાટિયાએ સાત બોલમાં 20 રન ફટકાર્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યા 53 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 59 રન નોંધાવીને અણનમ રહ્યો હતો. દિલ્હી માટે ખલીલ અહેમદ અને ઈશાંત શર્માએ બે-બે તથા એનરિક નોર્ટજે અને કુલદીપ યાદવને એક-એક સફળતા મળી હતી.

શમીના ઝંઝાવાત સામે દિલ્હીનો ધબડકો, અમન હકિમ ખાનની અડધી સદી
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, ઝડપી બોલર મોહમ્મદ શમીના ઝંઝાવાત સામે દિલ્હીનો ધબડકો થયો હતો. દિલ્હીની ટીમે 73 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી જેમાંથી ચાર વિકેટ મોહમ્મદ શમીએ ઝડપી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર અને ફિલિપ સોલ્ટની ઓપનિંગ જોડી ફ્લોપ રહી હતી. પ્રથમ બોલ પર જ સોલ્ટ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. જ્યારે વોર્નર બે રન નોંધાવીને રન આઉટ થયો હતો. ટોચના પાંચ બેટર્સમાં પ્રિયમ ગર્ગે જ બે આંકડાનો સ્કોર નોંધાવ્યો હતો. તેણે 10 રન નોંધાવ્યા હતા. જ્યારે રોસો આઠ અને મનિષ પાંડે એક રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા.

જોકે, અક્ષર પટેલ, અમન હકિમ ખાન અને રિપલ પટેલે સારી બેટિંગ કરી હતી જેના કારણે ટીમ સન્માનજનક સ્કોર નોંધાવી શકી હતી. અક્ષર પટેલે 30 બોલમાં 27 રન નોંધાવ્યા હતા. જ્યારે રિપલ પટેલે 13 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું. અમન ખાને સૌથી વધુ રન નોંધાવતા અડધી સદી ફટકારી હતી. તેણે 44 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 51 રન ફટકાર્યા હતા. ગુજરાત માટે મોહમ્મદ શમીએ ચાર ઓવરમાં 11 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે મોહિત શર્માએ બે અને રાશિદ ખાને એક વિકેટ ઝડપી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *