ફિલિપ સોલ્ટની તોફાની બેટિંગ, દિલ્હી કેપિટલ્સનો આસાન વિજય
દિલ્હી કેપિટલ્સ સામે 182 રનનો કપરો લક્ષ્યાંક હતો. તેમાં પણ વર્તમાન સિઝનમાં દિલ્હીની બેટિંગ જોતાં આ લક્ષ્યાંક વધારે કપરો લાગી રહ્યો હતો. જોકે, ફિલિપ સોલ્ટની તોફાની બેટિંગ આ લક્ષ્યાંકને એકદમ આસાન બનાવી દીધો હતો. કેપ્ટન ડેવિડ વોર્નર અને ફિલિપ સોલ્ટની ઓપનિંગ જોડીએ ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. આ જોડીએ 5.1 ઓવરમાં 60 રન ફટકાર્યા હતા. વોર્નર 14 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 22 રન નોંધાવીને આઉટ થયો હતો.
ત્યારબાદ સોલ્ટને મિચેલ માર્શનો સાથ મળ્યો હતો. મિચેલ માર્શે પણ 17 બોલમાં 26 રનની ઈનિંગ્સ રમી હતી. આ જોડીએ પણ 59 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, સોલ્ટે તોફાની બેટિંગ જારી રાખતા અડધી સદી ફટકારી હતી. તેણે 45 બોલમાં 87 રન ફટકાર્યા હતા. જેમાં આઠ ચોગ્ગા અને છ સિક્સર સામેલ હતી. જ્યારે રિલી રોસો 22 બોલમાં એક ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 35 રન નોંધાવીને નોટ-આઉટ રહ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે જોશ હેઝલવૂડ, કર્ણ શર્મા અને હર્ષલ પટેલે એક-એક વિકેટ ઝડપી હતી.
વિરાટ કોહલી અને લોમરોરની અડધી સદી, બેંગલોરનો મોટો સ્કોર
બેંગલોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસની ઓપનિંગ જોડીએ ટીમને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. આ જોડીએ 10.3 ઓવરમાં 82 રનની ભાગીદારી નોંધાવી હતી. ડુપ્લેસિસ 32 બોલમાં 45 રન નોંધાવીને આઉટ થયો હતો. તેણે પાંચ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે કોહલીએ પોતાની અડધી સદી ફટાકરી હતી. તેણે 46 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 55 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે મહિપાલ લોમરોરે 29 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી અણનમ 54 રન ફટકાર્યા હતા. દિલ્હી માટે મિચેલ માર્શે બે તથા ખલીલ અહેમદ અને મુકેશ કુમારને એક-એક સફળતા મળી હતી.