વોર્નર રિકવરી માટે ઓસ્ટ્રેલિયા પરત ફરશે પરંતુ ભારત સામે રમાનારી ત્રણ વન-ડે મેચની સીરિઝ માટે પાછો ફરી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી વન-ડે સીરિઝનો પ્રારંભ થશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ડેવિડ વોર્નર ભારત સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે અને તે ઓસ્ટ્રેલિયા પરત ફરશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન વોર્નરની કોણીમાં ઈજા થઈ હતી અને તેમાં હેરલાઈન ફ્રેક્ચર થયું છે. તેની ઈજાનું નિરિક્ષણ કર્યા બાદ તેને થોડો સમય રિહાબની જરૂર પડશે જેના કારણે તે ટેસ્ટ સીરિઝમાં રમી શકશે નહીં. તે ટેસ્ટ સીરિઝ બાદ રમાનારી વન-ડે સીરિઝ રમવા માટે ભારત પરત ફરશે કે નહીં તે હજી કંઈ સ્પષ્ટ નથી.
નોંધનીય છે કે કોંક્યુસન નિયમ પ્રમાણે દિલ્હી ટેસ્ટના બીજા દાવમાં વોર્નરના બદલે મેથ્યુ રેનશો બેટિંગમાં આવ્યો હતો. 36 વર્ષીય ડેવિડ વોર્નર પ્રથમ બે ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો. તે કંગાળ ફોર્મમાં જોવા મળ્યો હતો. બે ટેસ્ટમાં તેણે ત્રણ ઈનિંગ્સ રમી હતી જેમાં તેણે ફક્ત 26 રન જ નોંધાવ્યા હતા. ભારતે પ્રથમ બંને ટેસ્ટ જીતીને સીરિઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ સાથે જ ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફી પણ રીટેન કરી દીધી છે.