તામિલનાડુ ટીમે પણ નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ
આ મેચમાં તામિલનાડુએ બે વિકેટના નુકસાને 506 રનનો સ્કોર નોંધાવ્યો હતો જે મેન્સ લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી મોટો ટીમ સ્કોર છે. આ રેકોર્ડ અગાઉ ઈંગ્લેન્ડના નામે હતો. ઈંગ્લેન્ડે આ વર્ષની શરૂઆતમાં નેધરલેન્ડ્સ વિરુદ્ધ ચાર વિકેટે 498 રનનો સ્કોર નોંધાવ્યો હતો. લિસ્ટ-એ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી મોટો સ્કોર મુંબઈના નામે હતો. મુંબઈએ 2021માં જયપુરમાં પુડુચેરી વિરુદ્ધ ચાર વિકેટે 457 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જગદીશને ફક્ત 114 બોલમાં 200 રન નોંધાવી દીધા હતા. આ સાથે જ તે લિસ્ટ-એ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી નોંધાવનારો બેટર બની ગયો હતો.
સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ
આ સાથે જગદીશને લિસ્ટ-એ ક્રિકેટમાં સળંગ પાંચમી સદી ફટકારી હતી જે નવો રેકોર્ડ છે. વિજય હઝારે ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગ સ્કોર પૃથ્વી શોના નામે હતો. તેણે પુડુચેરી સામે 227 રનની ઈનિંગ્સ રમી હતી. જગદીશને આ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તામિલનાડુનો આ વિકેટકીપર બેટર ભારતની ટોચની વન-ડે ટુર્નામમેન્ટમાં બેવડી સદી નોંધાવનારો છઠ્ઠો બેટર બન્યો હતો. જગદીશને બી સાઈ સુદર્શન સાથે પ્રથમ વિકેટ માટે 416 રનનો સ્કોર નોંધાવ્યો હતો જે લિસ્ટ એ ક્રિકેટમાં કોઈ પણ વિકેટ માટે નોંધાયેલી સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે.
લિસ્ટ-એ ક્રિકેટમાં સળંગ સૌથી વધુ સદીનો રેકોર્ડ
સુદર્શને 102 બોલમાં 19 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 154 રન ફટકાર્યા હતા. જગદીશને શનિવારે સતત ચોથી સદી ફટકારીને લિસ્ટ-એ ક્રિકેટમાં સળંગ સૌથી વધુ સદી ફટકારવાના મામલે કુમાર સંગાકરા, અલ્વીરો પીટરસન અને દેવદત્ત પડિક્કલની બરાબરી કરી હતી. જ્યારે સોમવારે બેવડી સદી ફટકારીને તેણે આ ત્રણેયનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. જગદીશને વર્તમાન વિજય હઝારે ટુર્નામેન્ટમાં સોમવારે અરૂણાચલ વિરુદ્ધ 277 રનની ઈનિંગ્સ રમી તે પહેલા હરિયાણા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને ગોવા વિરુદ્ધ પણ સદી ફટકારી હતી.