ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી જે સિરીઝ રમાઈ હતી તેમાં પૂજારાએ 405 રન ફટકાર્યા હતા. સૌરાષ્ટ્રનો સ્ટાર બેટર ચેતેશ્વર પૂજારા અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સામે 20 ટેસ્ટ રમ્યો છે. જેમાં તેણે 54.09ની સરેરાશથી 1893 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે તેણે પાંચ સદી અને 10 અડધી સદી ફટકારી છે. તેથી આ સિરીઝમાં પણ તેની પાસેથી દમદાર પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે. આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટીએ પણ મહત્વની છે. તેથી ભારત પોતાની જ ધરતી પર રમાઈ રહેલી સિરીઝ જીતવા માટે આતુર છે.
પૂજારા પાસે માઈકલ ક્લાર્ક અને રાહુલ દ્રવિડના રેકોર્ડને તોડવાની તક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન સચિન તેંડુલકરના નામે છે. સચિને 39 મેચમાં 55ની એવરેજથી સાથે 3630 રન નોંધાવ્યા છે. જેમાં 11 સદી અને 16 અડધી સદી સામેલ છે. આ યાદીમાં પૂજારા છઠ્ઠા ક્રમે છે. જોકે, પૂજારા આ સિરીઝમાં ટોપ-5માં સામેલ થઈ શકે છે. રિકી પોન્ટિંગ 29 મેચમાં 2555 રન સાથે બીજા ક્રમે છે. જ્યારે વીવીએસ લક્ષ્મણે 2434, રાહુલ દ્રવિડે 2143 અને માઈકલ ક્લાર્કે 2049 રન નોંધાવ્યા છે.
ઓસ્ટ્રેલિયન ધરતી પર પણ પૂજારાએ કરી છે કમાલ
ઓસ્ટ્રેલિયા સામે પૂજારાએ ઓસ્ટ્રેલિયન ધરતી પર પણ લાજવાબ બેટિંગ કરી છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી તેણે 9 મેચ રમી છે. જેમાં તેણે 64.29ની સરેરાશ સાથે 900 રન ફટકાર્યા છે. આ વખતે સિરીઝ ભારતીય ધરતી પર છે તેથી તે વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સજ્જ છે. જોકે, પૂજારાએ ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લાયનથી સંભાળવું પડશે. નાથન લાયન તેના માટે મોટો ખતરો બની શકે છે. નાથન લાયને ટેસ્ટમાં પૂજારાને 10 વખત આઉટ કર્યો છે.