chennai super kings, IPL: ધોનીસેનાનું ઓલ-રાઉન્ડ પ્રદર્શન, હોમગ્રાઉન્ડમાં ચેન્નઈએ દિલ્હીને હરાવ્યું - ipl 2023 allround chennai super kings pick up clinical win against delhi capitals

chennai super kings, IPL: ધોનીસેનાનું ઓલ-રાઉન્ડ પ્રદર્શન, હોમગ્રાઉન્ડમાં ચેન્નઈએ દિલ્હીને હરાવ્યું – ipl 2023 allround chennai super kings pick up clinical win against delhi capitals


ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે બુધવારે હોમગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓલ-રાઉન્ડ પ્રદર્શન કરીને દિલ્હી કેપિટલ્સ સામે 27 રને વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં રમાયેલા મુકાબલામાં બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ચેન્નઈના બોલર્સે લાજવાબ પ્રદર્શન કર્યું હતું અને 168 રનના લક્ષ્યાંકનો બચાવ કર્યો હતો. ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં આઠ વિકેટે 167 રન નોંધાવ્યા હતા જેમાં શિવમ દૂબેએ સૌથી વધુ 25 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 140 રન નોંધાવી શકી હતી. હાલમાં પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ સુપર કિંગ્સ 15 પોઈન્ટ સાથે ગુજરાત ટાઈટન્સ બાદ બીજા ક્રમે છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમ સૌથી છેલ્લા 10માં ક્રમે છે.

ચેન્નઈના બોલર્સનું લાજવાબ પ્રદર્શન, દિલ્હી કેપિટલ્સનો પરાજય
દિલ્હી કેપિટલ્સ સામે 168 રનનો લક્ષ્યાંક હતો પરંતુ ટીમની બેટિંગ ઘણી જ નિરાશાજનક રહી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. જ્યારે મિચેલ માર્શ પાંચ રન નોંધાવીને રન આઉટ થયો હતો. ત્યારબાદ ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી જેના કારણે ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 140 રન નોંધાવી શકી હતી. ટીમ માટે સૌથી વધુ રન રિલી રોસોએ નોંધાવ્યા હતા. તેણે 37 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 35 રન નોંધાવ્યા હતા.

જ્યારે મનીષ પાંડેએ 29 બોલમાં એક ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 27 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે અક્ષર પટેલે 12 બોલમાં 21 રન ફટકાર્યા હતા. ઓપનર ફિલિપ સોલ્ટે 17, લલિત યાદવે 12 અને રિપલ પટેલે 10 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ માટે મથીશા પથિરાનાએ ચાર ઓવરમાં 37 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. દીપક ચહરે બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.

ખરાબ શરૂઆત બાદ ચેન્નઈ સુપર કિંગ્સનો પડકારજનક સ્કોર
હોમગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે ટીમની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 167 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટીમ માટે કોઈ એક બેટરે મોટી ઈનિંગ્સ રમી ન હતી પરંતુ તમામ બેટરે સાથે મળીને ટીમના સ્કોરને પડકારજનક બનાવ્યો હતો. ચેન્નઈ માટે શિવમ દૂબેએ સૌથી વધુ 25 રન નોંધાવ્યા હતા. તેણે 12 બોલમાં ત્રણ સિક્સર ફટકારી હતી. જ્યારે ઓપનર ઋતુરાજ ગાયકવાડે 24 રન નોંધાવ્યા હતા.

અજિંક્ય રહાણેએ 20, અંબાતી રાયડૂએ 23, રવિન્દ્ર જાડેજાએ 21 અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નવ બોલમાં એક ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 20 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સ માટે મિચેલ માર્શે સૌથી વધારે ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે ત્રણ ઓવરમાં 18 રન આપીને ત્રણ સફળતા મેળવી હતી. જ્યારે અક્ષર પટેલને બે સફળતા મળી હતી. ખલીલ અહેમદ, લલિત યાદવ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *