રિપોર્ટસ મુજબ, દીપક ચહરના પિતા લોકેન્દ્ર ચહરે ઉત્તર પ્રદેશમાં આગ્રાના હરીપર્વત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. એફઆઈઆર મુજબ આ ફરિયાદ હૈદરાબાદના પારેખ સ્પોર્ટ્સ સામે નોંધાવાઈ છે. એક ડીલ માટે પારેખ સ્પોર્ટ્સએ જયા પાસે 10 લાખ રૂપિયા લીધા હતા, જે આ ફર્મે પાછા આપ્યા ન હતા. આ ફર્મના માલિક ધ્રુવ પારેખ અને કમલેશ પારેખના નામ એફઆઈઆરમાં છે.
દીપક ચહરનો પરિવાર આગ્રાના શાહગંજના માન સરોવર કોલોનીમાં રહે છે. હૈદરાબાદ ક્રિકેટ એસોશિએશનમાં અધિકારી રહેલા ધ્રુવ પારેખ અને કમલેશ પારેખે દીપક ચહરની પત્ની જયા સાથે એક ડીલ કરી હતી. ડીલ મુજબ, 7 ઓક્ટોબર 2022એ જયા પાસે 10 લાખ રૂપિયા લેવાયા હતા, પરંતુ હજુ સુધી પાછા આપ્યા નથી. એટલું જ નહીં, આ રિપોર્ટસ મુજબ, રૂપિયા પાછા માગવા પર અપશબ્દો બોલવામાં આવ્યા અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દીપક ચહર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ની કેપ્ટનશિપવાળી આ ટીમે તેને 14 કરોડ રૂપિયામાં ફરીથી ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, દીપક ચહર ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તે છેલ્લે ગત વર્ષે બાંગ્લાદેશ સામે આંતરાષ્ટ્રીય વન-ડે રમ્યો હતો.