હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પણ ટી20 ટીમનું નેતૃત્વ કર્યું હતું અને ટીમ સીરિઝ જીતી ગઈ હતી. જોકે, આ સીરિઝમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું અને ભારતે એક મેચ જીતી હતી અને બાકીની બે મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. 2023માં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે અને તેવામાં ભારતીય ટીમ માટે ટી20 ફોર્મેટ અગત્યનું છે. જોકે, આ સીરિઝ હાર્દિકને મત્વની તક પૂરી પાડશે કેમ કે 2024માં ટી20 વર્લ્ડ કપ રમાવાનો છે અને આ દરમિયાન તેના નેતૃત્વ ક્ષમતાની કસોટી થતી રહેશે.
રોહિત, કોહલી અને લોકેશ રાહુલના ટી20 ભવિષ્ય સામે પ્રશ્નાર્થ મૂકાઈ ગયો છે તેવામાં તેઓ શ્રીલંકા સામેની સીરિઝનો ભાગ નથી. તેથી ટીમે હવે આ સ્ટાર ખેલાડીઓ વગર જ તૈયારીઓ કરવી પડશે. વર્તમાન ભારતીય ટી20 ટીમની સૌથી મોટી સમસ્યા એ રહી છે કે ટીમ નીડરતાથી અને ઝનૂન પૂર્વક રમી રહી નથી. 2022માં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં પણ આ જ વાત જોવા મળી હતી.
ન્યૂઝીલેન્ડમાં વિકેટકીપર બેટર રિશભ પંત અને ઈશાન કિશને ઓપનિંગ કર્યું હતું. પંતને જોકે શ્રીલંકા સામેની ટી20 સીરિઝ માટેની ટીમમાં સામેલ કરાયો ન હતો. આ ઉપરાંત તેની કારનો અકસ્માત થતાં હાલમાં તે સારવાર હેઠળ છે. તેવામાં શ્રીલંકા સામે ઈશાન કિશનની સાથે ઋતુરાજ ગાયકવાડને ઓપનિંગની તક મળી શકે છે. આ બંને ખેલાડીઓ આઈપીએલમાંથી સ્ટાર બનીને ઉભર્યા છે અને છેલ્લા કેટલાક સમયથી તેમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં આ સીરિઝ તેમની ખરી કસોટી સાબિત થશે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા માટે શુભમન ગિલ પણ ઓપનિંગમાં એક વિકલ્પ છે.
ત્રીજા ક્રમમાં હાર્દિક પંડ્યા મોટા ભાગે હાલમાં ટી20ના નંબર વન બેટર સૂર્યકુમાર યાદવ પર આધાર રાખશે. પ્રથમ ટી20માં દીપક હૂડાને તક મળી શકે છે. મિડલ ઓર્ડરના એક સ્થાન માટે ટીમ મેનેજમેન્ટે સંજૂ સેમસન અને અનકેપ્ડ ખેલાડી રાહુલ ત્રિપાઠીમાંથી એકની પસંદગી કરવી પડશે. જેમાં અનુભવ અને ફોર્મ સંજૂ સેમસનના પક્ષે છે. ટીમમાં વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ ઓલ-રાઉન્ડર તરીકે સામેલ છે. જ્યારે ઝડપી બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ અને ઉમરાન મલિકના ખભા પર રહેશે. સ્પિનરમાં યુઝવેન્દ્ર ચહલની દાવેદારી મજબૂત છે.
શ્રીલંકન ટીમ એશિયા કપ ચેમ્પિયન છે. શ્રીલંકાએ ગત વર્ષે ટી20 ફોર્મેટમાં રમાયેલો એશિયા કપ જીત્યો હતો અને તેના ખેલાડીઓનો આત્મવિશ્વાસ બુલંદી પર છે. જોકે, શ્રીલંકા ભારતીય ધરતી પર હજી સુધી એક પણ ટી20 સીરિઝ જીતી શક્યું નથી. પરંતુ ટીમ પાસે લંકા પ્રીમિયર લીગના સ્ટાર અવિષ્કા ફર્નાન્ડો, ચમિકા કરૂણારત્ને અને સદીરા સમારાવિક્રમા જેવા ખેલાડીઓ છે. તેથી હવે હાર્દિકની આગેવાનીવાળી ટીમ કેવો દેખાવ કરશે તે જોવાનું રહેશે.