આ મેચ બાંગ્લાદેશની થર્ડ ટાયર લીગની હતી, જેમાં સુઝોન મેહમૂદ નામના એક બોલરે 4 દડામાં 92 રન આપ્યા હતા. 65 વાઈડ અને 15 નો બોલને કારણે આવું બન્યું હતું. હકીકતમાં, 11 એપ્રિલ, 2017એ રમાયેલી આ મેચમાં સુઝોન મેહમૂદ લાલમતિયા ક્લબનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો. લાલમતિયાની ટીમ પહેલા બેટિંગ કરતા 50 ઓવરની મેચમાં 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, વિરોધી ટીમે આ ટાર્ગેટ એક ઓવર કરતા પણ ઓછામાં પાર કરી લીધો હતો. મેચ પછી એ વાતનો ખુલાસો થયો કે, સુઝોન અમ્પાયરના ખોટા નિર્ણયોનો વિરોધ કરી રહ્યો હતો. એવામાં તેણે એક જ ઓવરમાં આટલા વાઈડ અને નો બોલ ફેંક્યા હતા. એ ઓવરમાં સુઝોને જે 4 લીગલ દડા ફેંક્યા હતા તેમાં વિરોધી ટીમે 12 રન બનાવ્યા હતા. તે પછી સુઝોન મેહમૂદએ વાઈડ અને નો બોલ ફેંકવાનું શરૂ કર્યું અને એક જ ઓવરમાં 92 રન આપી દીધા. આ ઈનિંગ્સ 17 મિનિટ સુધી ચાલી હતી.
અર્શદીપના નામે છે શરમજનક રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમના બોલર અર્શદીપ સિંહે શ્રીલંકા સામે જાન્યુઆરી 2023માં રમાયેલી બીજી ટી-20 મેચમાં 2 ઓવરમાં 3 નો બોલ નાખવાની સાથે 37 રન આપ્યા હતા. આ મેચમાં પોતાના ખરાબ પ્રદર્શનને પગલે અર્શદીપના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. અર્શદીપ ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ નો બોલ ફેંકનારો બોલર બની ગયો હતો. એ મચે પછી તેના નામે ટી-20 ક્રિકેટમાં 14 નો બોલ નાખવાનો રેકોર્ડ બની ગયો હતો.