ટીમ ઈન્ડિયાની સિક્રેટ તૈયારીઓ
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે હેડ કોચ દ્રવિડ ઈચ્છે છે કે કેમ્પમાં કોઈપણ પ્રકારના ધ્યાનભંગ વિના તૈયારીઓ શરૂ કરાય. જોકે ખાસ વાત એ છે કે ઓફિશિયલ બ્રોડકાસ્ટર્સને ટ્રેનિંગને શૂટ કરવાની અને ટેલિકાસ્ટ કરવાની અનુમતિ આપવામાં આવી છે. ગુરુવારે શરૂઆતી દિવસમાં ફિટનેસ ટેસ્ટ કરાયો હતો. ત્યારપછી ખેલાડીઓ મુખ્ય કોચ દ્રવિડ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ સહિતના લોકોએ ગાઈડન્સ આપવાનું શરૂ કર્યું હતું.
તમામ ખેલાડીઓનું ધ્યાન બેટિંગ અને બોલિંગ પર હતું. લગભગ તમામ બેટ્સમેનોએ લગભગ એક કલાક સુધી પરસેવો પાડ્યો હતો. ટ્રેનિંગ સવારે 10 વાગ્યે શરૂ થઈ અને સાંજે 4 વાગ્યા સુધી ચાલી. કેએલ રાહુલ હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી. તે એશિયા કપની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ શકે છે. રાહુલે માત્ર પોતાની બેટિંગ પર ધ્યાન આપ્યું હતું. બીજી તરફ યુવા વિકેટકીપર ઈશાન કિશને પણ વિકેટ પાછળ સમય પસાર કર્યો હતો. વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા લાંબા સમય સુધી નેટ્સ પર રહ્યા હતા.
નેટ બોલર તરીકે ડોમેસ્ટિક સ્ટાર્સ
સ્થાનિક ક્રિકેટના સ્ટાર બોલરોને અહીં બોલિંગ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. સૂત્રએ કહ્યું કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ઇચ્છે છે કે બેટ્સમેનો ગુણવત્તાયુક્ત બોલિંગનો સામનો કરે. આનાથી ટીમના ખેલાડીઓને વધુ ફાયદો થશે. ઝડપી બોલરોમાં અનિકેત ચૌધરી, ઉમરાન મલિક, કુલદીપ સેન, યશ દયાળ અને તુષાર દેશપાંડેએ બોલિંગ કરી હતી. રાહુલ ચહર, સાંઈ કિશોર, શમ્સ મુલાની અને તનુષ કોટિયન સહિત લગભગ બે ડઝન સ્પિન બોલરો હતા.