અજિત અગરકરે ભારત માટે 26 ટેસ્ટ, 191 વનડે અને 4 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાંથી તેના નામે કુલ 349 ઇન્ટરનેશનલ વિકેટ છે. આઈપીએલમાં પણ તે કોલકાતા નાઈટરાઈડર્સ અને દિલ્હી ડેયરડેવિલ્સ માટે થોડી સીઝન રમી ચૂક્યો છે. આટલા અનુભવના કારણે તેની દાવેદારી અન્ય પૂર્વ ક્રિકેટર કરતા વધુ મજબૂત ગણાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓછા અનુભવીની સિલેક્ટર તરીકે પસંદગી થવી એ બીસીસીઆઈ પર સવાલ ઊઠાવતું હતું. આવામાં હવે અગરકર પોતાના ઇન્ટરનેશનલ ક્રિકેટના અનુભવના કારણે મુખ્ય સિલેક્ટરના પદ પર રહીને સારી ટીમ પસંદ કરવામાં લગાવી શકે છે.
સંન્યાસ પછી પણ એક્ટિવ
અજિત અગરકરે વર્ષ 2013-14માં ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. જોકે, તે ક્રિકેટથી દૂર નહતો થયો. તે કમેન્ટેટર તરીકે ક્રિકેટ સાથે જોડાયેલો હતો. નવા ઊભરતા ખેલાડીઓને તે બરાબર રીતે ઓળખે છે. તે મુંબઈ સિલેક્શન કમિટીને ચેરમેન પણ રહી ચૂક્યો છે. તે આઈપીએલની દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીમાં વર્ષ 2022 અને 2023માં અસિસ્ટન્ટ કોચ પણ હતો. ત્યાં પણ તેણે નવા ટેલેન્ટને નજીકથી ઓળખીને તેને યોગ્ય દિશા બતાવી હતી. નિવૃત્તિ બાદથી તેની ભૂમિકઓએ તેને ક્રિકેટ સાથે જોડી રાખ્યો હતો. તેમાં તે સફળ પણ રહ્યો છે, જે ભારતીય ક્રિકેટ માટે ઘણી સારી વાત હશે.
અજિત અગરકરમાં સારું કોમ્બિનેશન છે
સિલેક્ટર્સની ઉંમરને લઈને પણ ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. ક્રિકેટ પંડિત અને ફેન્સને લાગે છે કે, સિલેક્ટર્સ અત્યારના બદલતા માહોલને સમજવામાં સક્ષમ નથી અને તેમની રીત પણ જૂની છે. આવામાં 45 વર્ષનો અજિત અગરકર અનુભવ અને યુવાનીનું ગજબનું કોમ્બિનેશન બનાવે છે. તે બુદ્ધિશાળી અને સાહસિક નિર્ણય લાવવા માટે ઘણો ઉંમરલાયક છે અને યુવા ખેલાડીઓની સાથે જોડાવવા અને તેની જરૂરિયાતોને સમજવામાં તે સક્ષમ હોવા માટે ઘણો યુવાન છે. આ એક મહત્વનું ફેક્ટર સાબિત થઈ શકે છે.