એલેક્સ કેરીની અણનમ અડધી સદી, ઓસ્ટ્રેલિયાએ બીજો દાવ ડિક્લેર કર્યો
ભારતને 296 રનમાં ઓલ-આઉટ કરીને ઓસ્ટ્રેલિયાએ 173 રનની જંગી સરસાઈ મેળવી લીધી હતી. જોકે, બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆતની બેટિંગ નિરાશાજનક રહી હતી. ઓસ્ટ્રેલિયન ટોપ ઓર્ડર કંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો. ઉસ્માન ખ્વાજા 13 અને ડેવિડ વોર્નર એક રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. 24 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયાએ પોતાના બંને ઓપનર ગુમાવી દીધા હતા. આમ ભારતીય બોલર્સે શાનદાર શરૂઆત કરી હતી. જોકે, મિડલ ઓર્ડરમાં માર્નસ લાબુશેન અને પ્રથમ દાવમાં સદી ફટકારનારા સ્ટિવ સ્મિથે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
સ્ટિવ સ્મિથ 34 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે લાબુશેને 41 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે પ્રથમ દાવમાં આક્રમક સદી ફટકારનારો ટ્રેવિસ હેડ 18 અને કેમેરોન ગ્રીન 25 રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. જોકે, મેચના ચોથા દિવસે શનિવારે વિકેટકીપર બેટર એલેક્સ કેરી અને મિચેલ સ્ટાર્કની જોડીએ લોઅર ઓર્ડરમાં ઉપયોગી ઈનિંગ્સ રમી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયા ભારત સામે મોટો ટાર્ગેટ મૂકવામાં સફળ રહ્યું હતું. એલેક્સ કેરીએ અણનમ 66 રન તથા મિચેલ સ્ટાર્કે 57 બોલમાં 41 રન ફટકાર્યા હતા. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ ત્રણ તથા મોહમ્મદ શમી અને ઉમેશ યાદવે બે-બે વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવને એક સફળતા મળી હતી.