ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની વાત કરીએ તો પ્લેયર ઓફ ધ મેચ રહેલો કેમેરોન ગ્રીન ટોપ-100માં આવી ગયો છે. તેણે 30 બોલમાં 61 રન ફટકાર્યા હતા. જ્યારે ઝડપી બોલર જોશ હેઝલવૂડે બે વિકેટ ઝડપી હતી અને તેણે બોલર્સ યાદીમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. બેટિંગ ચાર્ટમાં પાકિસ્તાની ઓપનર મોહમ્મદ રિઝવાને પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે સાઉથ આફ્રિકાનો એઈડન માર્કરામ બીજા ક્રમે છે.
પ્રથમ ટી20માં ભારતીય બેટર્સે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ બોલર્સ ઓસ્ટ્રેલિયન બેટર્સ પર નિયંત્રણ રાખી શક્યાન હતા. એશિયા કપની જેમ પ્રથમ ટી20માં પણ ડેથ ઓવર્સમાં ભારતીય બોલર્સ ધોવાયા હતા જેના કારણે ટીમ મોટા લક્ષ્યાંકનો બચાવ કરી શકી ન હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે છ વિકેટે 208 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો. જેમાં હાર્દિક પંડ્યાએ 30 બોલમાં સાત ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી અણનમ 71 રન ફટકાર્યા હતા. જ્યારે લોકેશ રાહુલે 55 અને સૂર્યકુમાર યાદવે 46 રનની ઈનિંગ્સ રમી હતી. જોકે, સુકાની રોહિત શર્મા 11 અને વિરાટ કોહલી બે રન નોંધાવીને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા માટે ઝડપી બોલર નાથન એલિસે 30 રનમાં ત્રણ વિકેટ અને હેઝલવૂડે 39 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
209 રનનો મોટો લક્ષ્યાંક પણ ઓસ્ટ્રેલિયાએ આસાનથી પાર પાડી દીધો હતો. જેમાં સુકાની એરોન ફિંચે 22 રનની ઈનિંગ્સ રમી હતી. પરંતુ કેમેરોન ગ્રીને તાબડતોબ બેટિંગ કરીને 30 બોલમાં જ 61 રન ફટકારી દીધા હતા. સ્ટિવ સ્મિથે 35 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, ભારતે ગ્લેન મેક્સવેલ અને જોસ ઈંગલિસને આઉટ કરીને મેચમાં પાછા ફરવાની તક ઊભી કરી હતી પરંતુ મેથ્યુ વેડની આક્રમક બેટિંગે ભારત પાસેથી આ તક છીનવી લીધી હતી. વેડે અણનમ 45 રન ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. જ્યારે ટી20 કારકિર્દીની શરૂઆત કરનારા ટિમ ડેવિડે 18 રનનું યોગદાન આપ્યું હતું. આ બંનેએ 62 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી.