શુભમન ગિલની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી, ભારતનો મજબૂત સ્કોર
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતના ટોપ ઓર્ડરના બેટર્સે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા જેના કારણે ટીમ મોટો સ્કોર નોંધાવી શકી ન હતી. ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 289 રન નોંધાવ્યા હતા. સુકાની લોકેશ રાહુલ અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ મક્કમ શરૂઆત અપાવી હતી. તેમણે 15 ઓવરમાં 63 રનની ભાગીદારી નોંધાવી હતી. શિખર ધવન 68 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 40 રન નોંધાવીને આઉટ થયો હતચો. જ્યારે રાહુલે 46 બોલમાં 30 રન નોંધાવ્યા હતા જેમાં એક ચોગ્ગો અને એક સિક્સર સામેલ હતી.
જોકે, ભારતની બેટિંગનું મુખ્ય આકર્ષણ શુભમન ગિલની બેટિંગ રહી હતી. શુભમન ગિલે પોતાના આગવા અંદાજમાં બેટિંગ કરતા આક્રમક સદી ફટકારી હતી. ગિલની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી હતી. તેણે ઈશાન કિશન સાથે મળીને સદીની ભાગીદારી પણ નોંધાવી હતી. શુભમન ગિલે 15 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 97 બોલમાં 130 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ઈશાન કિશન 61 બોલમાં છ ચોગ્ગાની મદદથી 50 રન નોંધાવીને રન આઉટ થયો હતો. આ ઉપરાંત સંજૂ સેમસને 15 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વે માટે બ્રેડ ઈવાન્સે પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે ન્યાઉચી અને જોંગવેએ એક-એક વિકેટ ખેરવી હતી.
સિકંદર રઝાની લડાયક સદી છતાં ઝિમ્બાબ્વેનો પરાજય
290 રનના જવાબમાં ઝિમ્બાબ્વેની શરૂઆત નબળી રહી હતી પરંતુ મિડલ ઓર્ડરના બેટર સિકંદર રઝા અને સીન વિલિયમ્સે ભારતીય બોલર્સ સામે વળતો પ્રહાર કર્યો હતો. આ બંને બેટરે લડત આપી હતી પરંતુ ટીમને વિજય અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. સીન વિલિયમ્સ 46 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 45 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે સિકંદર રઝાએ આક્રમક બેટિંગ કરતા સદી ફટકારી હતી. તેણે 95 બોલમાં 115 રન ફટકાર્યા હતા જેમાં નવ ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી. આ ઉપરાંત લોઅર ઓર્ડરમાં બ્રેડ ઈવાન્સે 28 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે અવેશ ખાને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે દીપક ચહર, કુલદીપ યાદવ અને અક્ષર પટેલે બે-બે તથા શાર્દૂલ ઠાકુરે એક વિકેટ ઝડપી હતી.